ગામના વિઘ્ન સંતોષી તત્વો દ્વારા હેરાન કરવામા આવતા ઝેરી પ્રવાહી ગટગટાવ્યું
પાલનપુર તાલુકાના ગાદલવાડા ગ્રામ પંચાયતની સરપંચ મહિલાએ ગામના વિઘ્ન સંતોષી તત્વોના માનસિક ત્રાસ અને ખોટી રીતે હેરાન કરીને અરજીઓ કરવામાં આવતા પોતાનું જીવન ટુંકાવી લેવા ઝેરી પ્રવાહી ગટગટાવી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે અસરગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને બનાવ અંગે પોલીસે નિવેદન લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના ગાદલવાડા ગામે ચારેક વર્ષ અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અનુસૂચિત જાતિની મહિલા અનામત બેઠક પર સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ રેખાબેન અશોકભાઇ ધાણકએ ગત રોજ સાંજે અચાનક ઝેરી પ્રવાહી ગટગટાવી દેતા તેમની તબિયત લથડી હતી. જેને લઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગામના દલિત સમાજના બે વ્યક્તિ દ્વારા ચૂંટણીની અદાવત રાખીને ખોટી ખોટી અરજીઓ કરી તેમજ માનસિક ત્રાસ આપવા આવતા તેમના ત્રાસથી કંટાળીને મહિલા સરપંચે આપઘાત કરવા ઝેરી દવા ગટગટાવી હતી. આ અસરગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર મળી જતા હાલ તેમની તબિયત સુધારા પર છે. ઘટનાની જાણ થતા ગઢ પોલીસ દોડી આવી હતી. અને પીડિત સરપંચનું નિવેદન લઇ સરપંચને આપઘાત કરવા મજબૂર કરનારા વિઘ્ન સંતોષી તત્વો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

