વાવ ધરણીધર તાલુકા સરપંચ સંગઠન દ્વારા રાજ્ય સરકાર અને નર્મદા નિગમને છેવાડાના પૂર પ્રભાવિત ખેડૂતોના હિતમાં નર્મદાની નહેરોમાં પાણી છોડવાની મુદ્દત વધારવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી છે.
પૂરની પાયમાલી બાદ ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સરપંચ સંગઠનના પ્રમુખએ મીડિયાને જણાવ્યું હતું કે, ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ વાવ પંથકમાં આવેલા વિનાશક પૂરને કારણે ખેતરોમાં ૪ મહિના સુધી પાણી ભરાઈ રહ્યા હતા. જેના કારણે ખેડૂતોની ચોમાસુ સીઝન સંપૂર્ણ ફેલ ગઈ હતી. જમીન સુકાતા વાર લાગતા રવિ સીઝનનું વાવેતર પણ ખૂબ મોડું થયું છે. અત્યારે જ્યારે પાક તૈયાર થવાના આરે છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા ૧૫ માર્ચે પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે.
સરપંચ સંગઠનની મુખ્ય માંગણીઓ: રવિ પાકને બચાવવા માટે નર્મદાનું પાણી ૧૫ માર્ચને બદલે ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલુ રાખવામાં આવે. માનવીય અભિગમ: ખેડૂતોએ અગાઉ પૂરને કારણે મોટું નુકસાન વેઠ્યું છે, જો હવે પાણી બંધ થશે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. પશુધન બચાવો: ઉનાળાની શરૂઆતમાં પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે નહેરો ચાલુ રહેવી અનિવાર્ય છે. સરકારને ચીમકી સરપંચ સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો સમયસર પાણી લંબાવવાનો નિર્ણય લેવામાં નહીં આવે, તો છેવાડાના ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો ભારે આર્થિક પાયમાલીનો ભોગ બનશે. આ અંગે મુખ્યમંત્રી, કલેક્ટર અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ત્વરિત હકારાત્મક નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.

