મહેસાણામાં અમેરિકા જવાની લાલચ આપી બે કબૂતરબાજોએ વૃદ્ધને છેતરી રૂપિયા 25.50 લાખ સેરવી લેતાં મહેસાણા શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં અમેરિકા જવાની લાલચમાં વૃદ્ધ છેતરપિંડીનો ભોગ બન્યા છે. મહેસાણા શહેરની કૃણાલ રેસિડેન્સીમાં રહેતા વૃદ્ધને બે કબૂતરબાજ એજન્ટોએ અમેરિકા મોકલવાની લાલચ આપી રૂપિયા 25.50 લાખ પડાવ્યા હતા.
સમય જતાં બે એજન્ટો રાકેશ પટેલ અને હર્ષદ ઓઝાએ પૈસા લઈ વૃદ્ધને અમેરિકા પણ ન મોકલ્યા અને રૂપિયા પણ પરત ન આપ્યા. વૃદ્ધને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં અમદાવાદના બે કબૂતરબાજ એજન્ટો સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણામાં કબૂતરબાજીમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. કબૂતરબાજીમાં વિદેશ જવા વાંછુકને રીતસરનો 62 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. આ વખતે ચૂનો લગાવવા માટે નવી જ વ્યૂહરચના મુજબ આંગડિયા પેઢીમાં 62 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા.
આ ઘટનામાં પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી આચરવામાં આવી હતી. પછી આંગડિયા પેઢી જ બંધ કરી દેવામાં આવી હતી. ગાંધીનગરની અડાલજ પોલીસ લાઇન ખાતે રહેતા પોલીસ કર્મચારીની પત્ની ડીમ્પલબા ધવલસિંહ ગોળ (રાજપૂત) વિઝાની સર્વિસ આપતી પેઢી સાંઇ ઓવરસીઝના સંપર્કમાં આવી હતી. આ ફર્મ આંગડિયા પેઢીની સાથે વિદેશ જવાના કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપતી હતી. તેઓએ ડિમ્પલબાને ટિકિટની ખાતરી આપતા ઓસ્ટ્રેલિયાના વિઝાની ખાતરી આપી હતી અને તેની ટિકિટ પેટે પોણા બે લાખની રકમ માંગી હતી. આ રૂપિયા સની ઉર્ફે શૈલેષ પટેલને તેમણે આપ્યા હતા. તેમણે ટિકિટ તો ન આપી પણ પેનલ્ટીના બ્હાને બીજા રૂપિયા માંગ્યા. તેના પગલે ડિમ્પલબાએ સની સાથેનો સંપર્ક બંધ કર્યો હતો.
31 જાન્યુઆરીએ ટિકિટ કરી આપવાનું કહીને જયેશે બીજા પાંચ લાખ રૂપિયા મંગાવ્યા હતા. તેના પગલે શંકા જતાં મહિલાએ આંગડિયા પેઢી પર વોચ રખાવી હતી. થોડા જ દિવસોમાં પેઢી બંધ જોવા મળી હતી. જયેશ રાજપૂત પાસે અનેક વખત રૂપિયાની માંગણી કરી હોવા છતાં તેણે રૂપિયા પરત ન આપતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ કર્મચારીની જ પત્ની સાથે આ રીતે છેતરપિંડી થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તેણે તાકીદે તપાસ શરૂ કરી છે.