બેંક ઓફ બરોડાની શાખામાં બેસતા ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટે છેતરપિંડી કરી હોવાની રાવ
નવ જેટલા ખેડૂતોએ 25 લાખ જેટલી રકમ પરત મેળવવા કલેકટર કચેરીએ રજૂઆત કરી; વડગામ ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બેસી ખેડૂતો પાસે ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં આકર્ષક વ્યાજ દર આપવાની લાલચ આપી રોકાણ કરાવતા આ વિમા કંપનીમાં એજન્ટે નવ જેટલા ખેડૂતો પાસે રોકાણ કરાવેલ 25 લાખ જેટલી રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હોવાની રાવ ઉઠી છે.જે મામલે ભોગ બનનાર ખેડૂતોએ પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી તેમના નાણાં પરત મળે તે દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વડગામ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં વર્ષ 2024 માં માર્ચ મહિનામાં ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ આશુભાઈ નામના વ્યક્તિએ બેંકમાં આવતા ખેડૂતોને વહેલું પ્રીમિયમ ભરશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી નવ ખેડૂતોની એફડીઓ તોડાવીને તેમના પાસેથી 25 લાખ જેટલી રકમ મેળવી હતી. બાદમાં આ રકમની પાવતી કે પહોંચ આપવામાં ન આવતા ખેડૂતો દ્વારા બેંક મેનેજરને રજૂઆતો કરવામાં આવતા બેંક મેનેજર દ્વારા તેમને પૈસા પરત મળી જશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું જેમાં આ નવ ખેડૂતોને એક વર્ષ વીતવા છતાં તેમના પૈસા પરત ન મળતા તેમજ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં ન આવતા છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો ન્યાય મેળવવા પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા જ્યા લેખિત રજૂઆત કરી ઇન્ડીયા ફસ્ટના એજન્ટ આશુભાઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

