બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
સરકાર તાત્કાલિક ખેડૂતો માટે નીતિ બનાવી યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી; બનાસકાંઠાના ખેડૂતોને બટાકામાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો માટેનાં કોલ્ડ સ્ટોરેજ ખેડૂતોને ઉપયોગમાં નાં આવતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની નીતિને કારણે કરાર વિના બટાકાનું વાવેતર કરતા ખેડૂતોના બટાકા ખેતરમાં પડ્યા છે. અને કોઈ બટાકા લેવા તૈયાર નથી. અને જે લેવા તૈયાર છે.એ સસ્તા ભાવે માંગી રહ્યા છે. ત્યારે ખેડૂતોની પરેશાનીને લઇ ભારતીય કિસાન સંઘ ખેડૂતોને વ્હારે આવ્યું છે. અને કલેક્ટરને રજૂઆત કરી છે કે ખેડૂતોના બટાટા માટે કંઈક નીતિ બનાવવામાં આવે નહીં તો ખેડૂતો બરબાદ થઈ જશે.જેથી આગામી સમયમાં ભારતીય કિસાન સંઘે આંદોલન કરવું પડશે.
રવિ સિઝનમાં મોંઘા બિયારણ લાવી ખેડૂતોએ બટાકાની ખેતી કરી હતી. સીઝન પણ સારી જતા ખેડૂતોને બટાકાનું સારું ઉત્પાદન પણ થયું છે. ત્યારે ખેડૂતોને આશા હતી કે ભાવ સારા મળશે અને તેમના બટાટાનો સંગ્રહ થઈ શકશે પરંતુ જ્યારે બટાટા ખેતરમાંથી નીકળ્યા અને તેના વેચાણ માટે ગયા તો કોઈ વ્યાપારી લેવા માટે તૈયાર નથી અને જે વેપારીઓ લેવા માટે તૈયાર છે તે સૌથી નીચા ભાવે બટાકા માંગી રહ્યા છે. ખેડૂતોને બટાકાનાં નીચા ભાવ મળતા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું વિચાર્યું તો કોલ્ડ સ્ટોરેજ વાળા પણ ખેડૂતોના બટાકા લેવા માટે તૈયાર નથી.
ખેડૂતો કહી રહ્યા છે કે કંપનીઓ વાળા કરાર આધારિત બટાકા ખરીદી કરે છે. પરંતુ અન્ય ખેડૂતોના બટાકા લેતા નથી અને કંપની વાળા પહેલાથી કોલ્ડ સ્ટોરેજ સાથે કરાર કર્યો હોઇ તે રીતે કોલ્ડ સ્ટોરેજમાં બધા બટાકા ખરીદીને મૂકી દે છે જેના કારણે કરાર વગરના જે ખેડૂતો છે તેમના બટાકા માટે કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે. એટલે કંપનીના સંચાલકોની નીતિના કારણે કરાર વગર બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો હાલ રઝળી રહ્યા છે. અને તેમનો બટાકાનો માલ પણ ગરમીને લઈ બગડી રહ્યો છે. ત્યારે કિસાન સંઘ અને ખેડૂતોએ આજે બેઠક યોજી કલેકટરને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ખેડૂતો માટે નીતિ બનાવી યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી છે.