ચાણસ્મા ના ખોરસમગામના ખેડૂતે હોલિયા દ્વારા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યું; જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું છે. આ અભિયાન ખેતી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. ગુજરાતમાં ‘જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે, જે ખેત તળાવો, ચેકડેમ અને વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે.
પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે.જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઇની જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે. હોલીયા ને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી. તેઓ કહે છે કે આવા હોલીયા જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવે તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. હોલિયાનો મુખ્ય હેતુ ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોળિયામાં સંગ્રહ થતુ હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે.