કેટલાક ખેતરો સર્વેથી વંચિત : તમામ ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ
સરહદી વિસ્તાર એવા વાવ, સુઈગામ ભાભર અને થરાદમાં પાછોતરા વરસાદથી અતિવૃષ્ટિ સર્જાઈ હતી. જેમાં ખેડૂતોને જમીન ધોવાણ, પાક નિષ્ફળ અને ઘરોમાં પાણી ભરાઇ જતા ઘર વખરી પલડી જતાં મોટું નુક્સાન થયું હતું. ખેડૂતોને સહાય આપવા માટે રાજ્ય સરકારે મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. પરંતુ બે મહિના કરતાં વધુ સમય થયો છતાં હજુ સુધી સહાય મળી નથી. હવે ખેતી નિષ્ફળ સહાય આપવાની સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે. ત્યારે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકારી કચેરીઓમાં આંટાફેરા મારી રહ્યાં છે અને કેટલાક ખેડૂતો પ્રાઈવેટ ઓનલાઇન ફોર્મ ભરવાની દુકાનો ઉપર ફોર્મ દીઠ ૧૦૦ રૂપિયા આપી ફોર્મ ભરાવી રહ્યા છે.
ગ્રામ પંચાયત દ્વારા વીસીઓએ ફોર્મ ભરવા કામગીરી શરૂ કરી છે પરંતુ જવાબદાર અધિકારીઓ કહે છે સરકારના ઠરાવ મુજબ ૩૩ ટકા નુકસાન હશે અને સપ્ટેમ્બર મહિનામાં સર્વે મુજબ ખેડુતોને સહાય આપવામાં આવશે.તેથી જો સર્વે મુજબ સહાય ચુકવવામાં આવશે તો અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય તેમ છે કારણ કે સર્વે કામગીરી દરમિયાન કેટલાક ખેતરો સુધી સર્વે ટીમ પહોંચી નથી.જેના કારણે લાગવગ વાળા ખેડૂતો ખોટી સહાય મેળવી અને નુકસાન વાળા સાચા લાભાર્થી ખેડૂતો સહાયથી વંચિત રહી જાય તેવી ફરીયાદો કરી તમામ ખેડૂતોને સહાય ચૂકવાય તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે.
સરકારના જવાબદાર પ્રતિનિધિ શંકરભાઈ ચૌધરી (વિધાનસભા અધ્યક્ષ) એ ચાર દિવસ પહેલા જાહેર મંચ ઉપર કહ્યું હતું કે મગફળી ટેકાના ભાવે ભરાવનાર સહિત તમામ ખેડૂતોને સરકારી સહાય આપવાની છે. સર્વે બાકી હોય તેવા ખેડુતો પણ ઓનલાઈન ખેતી પાક નિષ્ફળ ફોર્મ ભરી સહાય મેળવવા પાત્ર છે. જેના કારણે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાઈની લગાવી રહ્યા છે પરંતુ અધિકારીઓ કહી રહ્યા છે કે જેનું સર્વે થયું હોય તેવા ખેડુતોએ જ ફોર્મ ભરવું. આવા તફાવતોથી અત્યારે ખેડૂતો હેરાન થઈ રહ્યાં છે.
સરકારના ઠરાવ મુજબ સહાય : અધિકારી
આ બાબતે ભાભર ખેતીવાડી વિસ્તરણ અધિકારી સુરેશ પરમારે જણાવ્યું હતું કે, સરકારના ઠરાવ પ્રમાણે જે ખેડુતોના ખેતરમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયેલ હશે તેને જ સહાય મળવાપાત્ર છે.તેમજ સર્વે યાદીમાં સમાવિષ્ટ ખેડૂતોને સહાય મળશે.મતલબ ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન થયેલ સર્વે મુજબના ખેડુત ખાતેદારોને જ સહાય મળશે.

