અગાઉના કમોસમી વરસાદના ઘા રુઝાયા નથી ત્યાં ફરી આફતની ઘડી
ડીસા તાલુકા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં નાટકીય પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા આવેલા વાવાઝોડા અને માવઠાની અસર હજુ શમી નથી, ત્યાં ફરી એકવાર આકાશમાં કાળાડિબાંગ વાદળોના ધામા જોવા મળતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
વહેલી સવારથી સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ચિંતાજનક વાતાવરણ સર્જાયું છે.હવામાન વિભાગ દ્વારા આગામી ૨ થી ૩ દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની (કમોસમી વરસાદ) ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાક પર મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રવિ પાકના તૈયાર થયેલા ઉતારા સમયે જ કુદરત રૂઠી હોય તેવું જણાઈ રહ્યું છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગામી કલાકોમાં પવન સાથે વરસાદ ત્રાટકશે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકો તૈયાર થવાના આરે છે, ત્યારે વરસાદ તેના માટે કાળ સમાન સાબિત થઈ શકે છે. અગાઉ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે. ફરી એકવાર વાતાવરણ બગડતા ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે.

