પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી; ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનનો મુદ્દો વિકટ બન્યો છે. ત્યારે ગુરૂવારે આ મામલે ખેડૂતોએ પાટણ ના સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈ પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો એ આપેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે અમો ખેડૂતોની મુખ્ય માગણી છે કે તેમની જમીનનું વળતર માર્કેટ વેલ્યુ અને નવી જંત્રી પ્રમાણે આપવામાં આવે. તેઓ સરકારની જમીન સસ્તા ભાવે સંપાદન કરવાની નીતિનો વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ પોતાના પરિવાર અને પશુધન સાથે ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરશે. તેમનો “જીવ જશે પણ જમીન નહીં આપીએ”નો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.તેઓએ માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરાવી, સૂચિત જંત્રી મુજબ વળતર ચૂકવવાની માગણી કરી રહ્યા હોવાનો આવેદનપત્ર મા ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.