બનાસકાંઠા જિલ્લામાં એક થી દોઢ ઈંચ સુધી વરસાદ થવા પામ્યો; હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ગુરુવારની મધરાતે અચાનક આવેલા પલટાની સાથે અનેક સ્થળો પર ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને ભારે પવનના કારણે વ્યાપક નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે અને કમોસમી વરસાદને લઇ ખેતીના પાકોને નુકસાન થતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી હતી તે મુજબ ઉનાળાના ઉતરાર્ધ હવામાન બદલાતા જીલ્લાના અનેક ભાગોમાં માવઠાની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ વડગામ પાલનપુર અમીરગઢ અને ડીસામાં વરસાદની અસર જોવા મળી છે. જેમાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જીલ્લાના અનેક ભાગોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી જેના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાની સંભાવના જોવા મળી રહી છે. જોકે વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામતા લોકોએ આકરી ગરમી માંથી રાહત અનુભવી છે જોકે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના બહુ ઓછી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મે મહિનામાં માવઠાનો બીજો માર; ખેડૂત વર્ગ પર કુદરત પણ રૂઠયો હોય તે રીતે બનાસકાંઠા જિલ્લામાં મે મહિનામાં સતત બીજીવાર માવઠું થતાં ખેતી કરતાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે મે મહિનાની શરૂઆતમાં ૬ તારીખ આસપાસ ભારે પવન અને કમોસમી વરસાદ થયો હતો ત્યારે મે મહિનાના અંતમાં ૨૮ તારીખ ના ફરી એકવાર કમોસમી વરસાદ થતાં ખેતીના ઉભા પાકોને તેની મોટી પસાર થવા પામી છે.