બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખેડૂતોની મુખ્ય માગણી સુઈગામ કેનાલનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની છે.
નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઈનોર કેનાલોની કામગીરી હાલ બંધ છે. જે કામગીરી ચાલુ છે તે ધીમી ગતિએ આગળ વધી રહી છે. આના કારણે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળતું નથી.વાવ તાલુકાના દેવપુરા, ભડવેલ, ધરાદરા, દેથળી, જાનાવાડા, ભાણખોળ, સવપુરા, વાછરડા, રામપુરા, બાઇસરા અને ઈશ્વરીયા ગામો અસરગ્રસ્ત છે. સુઈગામ તાલુકાના ખડોલ, કુંભારખા, સેડવ, બેણપ, સુઈગામ, દુધવા, મસાલી, લીંબુણી, માધપુરા, મેઘપુરા અને જલોયા ગામો પણ પ્રભાવિત છે.ખેડૂતોએ નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડને મૌખિક રજૂઆત કરી હતી.
તેમની માગણીઓમાં સમયસર પાણી છોડવું, ભારતમાળા રોડ નીચેથી માઈનોર કેનાલ પસાર કરવી અને કેનાલની આજુબાજુ માટીકામ કરી રસ્તો બનાવવાનો સમાવેશ છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરશે. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવી છે અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.