બનાસકાંઠામાં 3.92 લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન : એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાએ ફાર્મર રજીસ્ટ્રેશનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લો 78.53% રજીસ્ટ્રેશન સાથે રાજ્યમાં બીજા ક્રમે છે. 19 મે 2025 સુધીના આંકડા મુજબ, જિલ્લાના 5,00,391 ખેડૂતોમાંથી 3,92,971 ખેડૂતોએ તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.
જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના નેતૃત્વમાં ખેતીવાડી વિભાગે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશેષ અભિયાન ચલાવ્યું.ફાર્મર રજીસ્ટ્રી ખેડૂતો માટે એક મહત્વનું ડિજિટલ પ્લેટફોર્મ છે. આ રજીસ્ટ્રેશનથી ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી.એમ કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી મળશે.આધાર કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. ખેડૂતોની ડિજિટલ ઓળખ બનશે. આનાથી ખેતી અને ધિરાણ સંબંધિત સેવાઓ વધુ સરળ બનશે. જિલ્લા વહીવટી તંત્રે બાકી રહેલા ખેડૂતોને તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.