આજ રોજ મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો વિદાય સમારંભ યોજાયો હતો. જ્યાં જિલ્લાના તમામ ડીવાયએસપી, તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી પુષ્પવર્ષા દ્વારા વિદાય આપી હતી. આઈપીએસ અધિકારી તરીકેની સફળ કારકિર્દી ધરાવતાં જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જ્યાં ખૂબ જ લાગણીમય અને ભાવુક દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતાં.
સાથોસાથ જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની બઢતી બાબતે પણ સૌએ શુભેચ્છાઓની વણઝાર લગાવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટેની મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. ત્યારે પોતાના વિદાય સમારંભ પ્રસંગે તરૂણ દુગ્ગલ પોતે પણ થડોક સમય માટે ભાવુક બની ગયા હતા અને કહ્યું હતું કે આટલો સમય આપણે સૌએ સાથે કામ કર્યું એનો સમય ક્યાં જતો રહ્યો એ ખ્યાલ જ ન રહ્યો. આપસૌની સાથે હળી મળીને કામ કરીને હું આપસૌની યાદો મારી સાથે લઈ જઈ રહ્યો છું જે મારા માટે અવિસ્મરણીય અને યાદગાર છે.

