પોલીસે અને આરોગ્ય તંત્રે સંયુક્ત દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો; સતલાસણાના મુમનવાસમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતો એક શખ્સ પકડાયો છે. ફારૂક સત્તારભાઈ મેમણ નામનો આ વ્યક્તિ માત્ર ધોરણ ૧૨ સાયન્સ સુધી અભ્યાસ કરેલો છે. તેણે બાઈબ્રન્ટ હોસ્પિટલના નામે ૩ બેડની હોસ્પિટલ શરૂ કરી હતી. આરોગ્ય વિભાગને મળેલી ફરિયાદના આધારે સતલાસણા પોલીસે અને આરોગ્ય તંત્રએ સંયુક્ત દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ફારૂક મેમણ એલોપેથિક પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો. તેની સાથે એક વ્યક્તિ કમ્પાઉન્ડરનું કામ શીખતો પણ જોવા મળ્યો હતો.
હોસ્પિટલમાંથી ડૉક્ટરના કાર્ડ, દવાઓ, ઇન્જેક્શન અને સારવારના સાધનો મળી કુલ ૩૪,૮૨૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતુલ પટેલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. ફારૂક મેમણની અટકાયત કરવામાં આવી હતી. જો કે, તેને તરત જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. હાલમાં આ હોસ્પિટલને બંધ કરાવી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં આ પ્રકારના બનાવટી ડૉક્ટરોના કિસ્સા વધી રહ્યા છે. આ ઘટના સરકારી આરોગ્ય સેવાઓ સામે મોટો પડકાર ઊભો કરે છે.

