આસ્થા : ડીસાના કુંપટ ગામે શીતળા માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આજેય અકબંધ

આસ્થા : ડીસાના કુંપટ ગામે શીતળા માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આજેય અકબંધ

  ડીસાના કુંપટ ગામે શીતળા માતાજીના ઐતિહાસિક લોકમેળામાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી નજરે પડી

મેળામાં હકડેઠઠ જનમેદની ઉમટી પડતા નાનકડા ગામમાં માઇભક્તોનું કીડીયારું ઉભરાયું

મેળામાં મોટા ચકડોળો અને મોટી સંખ્યામાં રહેલા સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યા | લાખો રૂપિયાની મેળામાં ખરીદી થઈ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની બનાસ નદી કીનારે આવેલા કુંપટ ગામમાં શીતળા માતાજીનું ઐતિહાસિક મંદિર પંથકમાં અનેરૂ મહત્વ ધરાવે છે. તેથી અહીં શ્રદ્ધાળુ ભાઈ-બહેનો વર્ષ દરમિયાન સતત માતાજીની માનતા બાધા-આખડી પૂરી કરવા આવતા હોય છે. પરંતુ ફાગણ વદ સાતમના ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી બાધા-આખડી અને દર્શન કરવા આવતા કુપટ ગામ માનવ મહેરામણથી  ઊભરાઇ ગયું હતું.

કુંપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીં માતાજી સાક્ષાત હાજર હોવાના દાખલાઓ અને ચમત્કારો રહેલા છે. જેથી સમગ્ર પંથકના લોકોને માતાજી પ્રત્યે ખુબ જ શ્રધ્ધા અને આસ્થા રહેલી છે. સાથે ફાગણ વદ સાતમનો ભરાતો લોકમેળાની પણ આ પંથકમાં આગવી ઓળખ છે. મેળામાં ભજીયાના સ્ટોલ, શૃંગારના સ્ટોલ, શરબત કુલ્ફીના સ્ટોલ, મોટા પ્રમાણમાં ગોઠવાયા હતા. આ ઉપરાંત મેળામાં શેરડીના ભારાઓનો ખડકલો થયો હતો. સાથે મનોરંજન માટે પણ મોટા મોટા ચગડોળો, નાના બાળકો માટેના વિવિધ રમતોના સાધનો પણ મેળાનું આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત મેળામાં માતાજીની ફૂલ પાંખડી શ્રીફળ અને પ્રસાદ વેચનારાઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ત્યારે મેળાને મહાલવા ઉમટી પડેલા લોકોએ મેળામાં લગાવેલા સ્ટોલો પરથી વિવિધ ચીજ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી થઇ હતી.

કુંપટ ગામે ભરાયેલા ભાતીગળ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગ્રામ પંચાયત, માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી હતી.  મેળામાં આવેલ ભાવિકોને લેશમાત્ર તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળા દરમિયાન શાંતિ અને સૂલહ જળવાઈ રહે તે માટે ડીસા રૂરલ પોલીસ હોમગાર્ડ જીઆરડી સહિત  ગામના યુવક મંડળના સદસ્યોએ પણ સતત દેખરેખ રાખતા સુખરૂપ મેળો સંપન્ન થયો હતો.

માતાજીની માનતા અને બાધા રાખતા લોકો મોટી સંખ્યામાં આવે છે

શીતળા માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આસ્થાને લઇ સમગ્ર આજુબાજુના ગામોના લોકો તેમના બાળકોમાં ઓરી અછબડા જેવા રોગોના રક્ષણ સામે માતાજીની માનતા રાખતા હોય છે આ ઉપરાંત આંખો ના રોગ તથા શરીરનાં અન્ય રોગો ને લઇ આજના ટેકનોલોજી યુગમાં પણ માતાજીની અપાર શ્રદ્ધાને લઇ બાધા અને માનતા રાખતો હોય છે. જે શિતળા સાતમને દિવસે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી.

મેળામાં દર્શનાર્થી માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું

આ વર્ષ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને દરેક લોકોને માતાજીના દર્શન થાય તે માટે મહિલાઓ અને પુરુષો ની અલગ અલગ લાઇન બનાવવા માં આવી હતી. આ આ ઉપરાંત શ્રીફળ તથા માતાજીનો પ્રસાદ ધરાવવા સહિતની ખુબ સારી વ્યવસ્થા હોવાના કારણે લોકોએ મંદિર પરિસરમાં ખુબ જ શાંતિ પુર્ણ જળવાઈ રહ્યો હતો.

મેળામાં ઠેર ઠેર ઠંડી છાશ-પાણીની સેવા બની આકર્ષણ

ડીસા તાલુકાના કુંપટ ગામે યોજાયેલા શીતળા સાતમના ભવ્ય મેળામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઠંડી છાશ અને પાણીની સેવા કરવામાં આવી હતી. ઉનાળાની ગરમી વચ્ચે ઠંડી છાશનો પ્રસાદ મેળવી દર્શનાર્થીઓએ રાહત અનુભવી હતી. વિવિધ સેવાભાવી ટીમે સ્વયંસેવકો સાથે મળીને મોટી સંખ્યામાં ભાવિકોને છાશ અને પાણીનું વિતરણ કર્યું હતું. સેવા કાર્યને લઇને મેળામાં આવેલા લોકોએ સંસ્થાની પ્રશંસા કરી હતી. ધાર્મિક મેળામાં માનવસેવાનો સુંદર સંદેશ આપતા આ આયોજનને કારણે સમગ્ર મેળામાં સેવા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *