ડીસાના ગાંધીચોકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ત્રણ શખ્સો ઝડપાયા

ડીસાના ગાંધીચોકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ત્રણ શખ્સો ઝડપાયા

પોલીસની સઘન કાર્યવાહીથી વેપારીઓએ હાશકારો અનુભવ્યો

  ડીસાના ગાંધીચોક વિસ્તારમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓએ વેપારીઓમાં ભયનો માહોલ સર્જી દીધો છે. પરંતુ, તાજેતરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા લેવામાં આવેલા કડક પગલાં અને ડીવાયએસપી કુણાલસિંહ પરમારની સીધી દરમિયાનગીરીએ વેપારીઓમાં વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો છે.આ અગાઉ, વેપારીઓએ ચોરીની ઘટનાઓને અટકાવવા માટે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમ છતાં, ગત રાત્રે ગાંધીચોક વિસ્તારમાં એક વેપારીની દુકાનનું શટર તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા વેપારીઓમાં ફરીથી ફફડાટ વ્યાપી ગયો હતો.

​આ ઘટનાની જાણ થતાં જ વેપારીઓએ તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને ડીવાયએસપી કુણાલસિંહ પરમારે ડીસા દક્ષિણ પોલીસને કડક સૂચનાઓ આપી. સૂચના મળતા જ ડીસા દક્ષિણ પોલીસે સઘન તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને ટેકરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા. ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

​આ ઘટના બાદ ડીવાયએસપી કુણાલસિંહ પરમારે પોતે ગાંધીચોક વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. વેપારીઓએ ખાસ કરીને રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી પરમારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીને તાત્કાલિક ગાંધીચોક વિસ્તારમાં ફરજિયાત પોલીસ પોઈન્ટ મૂકવાની સૂચના આપી છે.આ દરમિયાન પીઆઈ વી.એમ. ચૌધરીએ પણ વેપારીઓને તેમની દુકાનોને યોગ્ય રીતે લોક મારવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી વેપારીઓમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *