સમગ્ર ઘટના CCTVમાં કેદ; બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એ.ટી.એમ.માં ગઈ કાલે રાત્રે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ એ.ટી.એમ. મશીનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ પૈસા કાઢવામાં સફળ રહ્યા ન હતા. ચોરીનો આ સમગ્ર પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થેરવાડા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એ.ટી.એમ.ને મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ એ.ટી.એમ. મશીનને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને મશીનના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. આશ્ચર્યજનક રીતે, તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, એક કેમેરો તેઓની નજરમાં ન આવતા તેમની આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.
આજે સવારે જ્યારે ગામલોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે ગામમાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે એ.ટી.એમ. અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસને એક કોશ હથોડો તેમ જ ચપ્પલ મળી આવ્યા હતા.સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઓળખવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.