ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવામાં નહિ આવે તો આગામી પાલિકાની ચુટણી મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી
પાટણ શહેરમાં નગરપાલિકા અને UGVCL દ્વારા કરવામાં આવેલા ખોદકામે નાગરિકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઈન અને UGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન માટે શહેરભરમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય રીતે પુરાણ ન થતાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે.ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. તેના કારણે નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આથી રોગચાળો ફેલાવાની દહેશત પણ જોવા મળી રહી છે. નગરપાલિકા શહેરીજનો પાસેથી ડબલ વેરો વસૂલે છે, છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આક્રોશિત નાગરિકોએ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવા અને વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી માગણી કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ખોદકામ વાળા રસ્તાઓનું સમારકામ કરે અને લોકોની મુશ્કેલીઓ દૂર કરે.