ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ સુલભ શૌચાલય સફાઈના અભાવે ગંદકીનું ધામ બન્યું હતું. કચરો ન ઉઠાવતા દિલ્હીગેટ ચોક પર ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. જોકે, પ્રમુખપદનો પદભાર સંભાળતા જ ઇન્ચાર્જ પ્રમુખે શહેરના હાર્દ સમાં દિલ્હીગેટ ચોક વિસ્તારને ગંદકી મુક્ત કરાવતા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
પાલનપુરના હાર્દસમા દિલ્હીગેટ વિસ્તારમાં સુલભ શૌચાલય આવેલું છે. જે શૌચાલય સહિત આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકા તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતાં વેપારીઓની રજુઆત બહેરા કાને અથડાઈને પરત ફરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે, પાલિકાના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળયા બાદ પર ઇન્ચાર્જ પ્રમુખએ આગવી સૂઝબૂઝ દાખવતા પાલિકાની સેનિટેશન ટીમ સાથે દિલ્હીગેટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓએ સ્થળ પર જઈ તાકીદે દિલ્હીગેટ ચોકમાંથી કચરો દૂર કરાવી દવાનો છંટકાવ કરાવી તીવ્ર દુર્ગંધનો સામનો કરનાર વેપારીઓને ગંદકીમાંથી છુટકારો અપાવ્યો હતો.