જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણનો અંત આવ્યો છે. સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર ગુરુવાર રાતથી ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી છે.
કાશ્મીર ટાઈગર્સે હત્યાની જવાબદારી લીધી હતી
તમને જણાવી દઈએ કે મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ છે. આ બંને ઓહલી કુંટવાડાના રહેવાસી હતા. સાંજે પ્રાણીઓ ચરાવીને બંને ઘરે ન પહોંચ્યા ત્યારે તેમના પરિવાર અને સ્થાનિક લોકોને શંકા ગઈ. ત્યારથી સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ ઘટનાની જવાબદારી લીધી છે. તેણે એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે તેણે આ હત્યા ઈસ્લામ અને કાશ્મીરની આઝાદીના નામે કરી છે.
ડ્રોન કેમેરામાં આતંકીઓ કેદ
ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો સાથેની અથડામણ દરમિયાન આતંકવાદીઓનું રેકોર્ડિંગ ડ્રોન કેમેરામાં કેદ થયું છે. આ આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ થવાની બાકી છે. સુરક્ષા દળો દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.