ડિજીગાંવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ખાતે આવેલી બાલારામ સઘન ક્ષેત્ર સમિતી શાળામાં “સશક્ત રામાણી” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વનું પગલું છે. કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, આયર્નની ઉણપ, માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લાભાર્થીઓને સેનિટરી પેડ્સ અને મલ્ટી વિટામિન્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિત્રાસણીના સરપંચ રાજીબેન અને ચેરમેન બારડ સહિત સ્ટાફગણ અને કુલ ૧૦૧૦ વિદ્યાર્થીનીઓ તેમજ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
ડિજીગાંવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું કે, “સશક્ત રામાણી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને સમૃદ્ધ બનાવે છે. અમને સકારાત્મક પરિવર્તન લાવવા માટે કચ્છ રેલ્વે કંપની સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે.” આ પહેલા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર અને વડગામની શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આગામી દિવસોમાં પણ વિવિધ ગામો અને શાળાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.