રાજગઢી વિસ્તારમાં શાળાઓ અને મંદિર પાસેનું કચરાનું સ્ટેન્ડ દૂર કરવા માટે ચીફ ઓફિસરની જીગર કેમ ચાલતી નથી?
પાલનપુરના કોટ વિસ્તારમાં રાજગઢી નજીક આવેલી નૂતન હાઇસ્કૂલ, સિટી હાઈસ્કૂલ અને નાગણેજી માતાના મંદિરની સામે પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું કચરાનું બિનઅધિકૃત સ્ટેન્ડ આજે સ્થાનિક રહેવાસીઓ અને શાળા ઓ માટે મોટી સમસ્યા બની ગયું છે. આ સ્ટેન્ડ પર આજુબાજુના વિસ્તારોમાંથી ખુલ્લી ગટરોમાંથી નીકળતો કાદવ-કીચડ અને અન્ય પ્રકારનો કચરો ફેંકવામાં આવે છે, પરંતુ નિયમિત સફાઈના અભાવે અહીં કચરાના ઢગલા જામી જાય છે. આ સ્થિતિને કારણે શાળાના બાળકો, શિક્ષકો અને રાહદારી ઓના સ્વાસ્થ્ય અને સલામતી સામે ગંભીર ખતરો ઉભો થયો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, આ કચરા ના ઢગલા પર ભૂંડ, કૂતરાં, ગાયો અને આખલા જેવા પશુઓ ખોરાકની શોધમાં ઉમટે છે. આ પશુઓ અંદરો અંદર ઝઘડે છે, જેના કારણે અહીંથી પસાર થતાં શાળાના બાળકો કે રાહદારીઓને ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, કચરા અને કાદવ-કીચડમાંથી ફેલાતી ભયંકર દુર્ગંધએ આખા વિસ્તારનું વાતાવરણ બગાડી દીધું છે. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો અને શિક્ષકોને આ દુર્ગંધ અને અહીં ફેલાતી અસ્વચ્છતાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. રાહદારીઓને પણ આ રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ મામલે સ્થાનિક લોકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગર પાલિકાના ચીફ ઓફિસરે શહેરમાંથી 17 જેટલા કચરાના સ્ટેન્ડ નાબૂદ કરવાનો દાવો કર્યો છે. અને ખુલ્લામાં કચરો ન ફેંકવા માટે સૂત્રો પણ લખાવ્યા છે. જોકે, શાળાઓ અને મંદિર જેવા વિસ્તારની નજીક વર્ષોથી ચાલી આવતું આ બિનઅધિકૃત કચરાનું સ્ટેન્ડ હજુ સુધી દૂર કરવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આ બાબતે સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, “એક બાજુ ચીફ ઓફિસર શહેરને સ્વચ્છ બનાવવાની વાતો કરે છે, તો આવા સ્ટેન્ડને દૂર કરવામાં તેમની જીગર કેમ ચાલતી નથી?”