ડીસામાં ગુરુવારે થયેલા ધોધમાર વરસાદના પગલે ભોયણ નજીક આવેલા ડી-માર્ટ પાસેના સર્વિસ રોડ પર એક વીજ પોલ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.વરસાદ અને વીજ પોલ ધરાશાયી થવાની એક સાથે બનેલી આ ઘટનાથી ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતાં જ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે સમય સૂચકતા વાપરીને વીજ પુરવઠો બંધ કર્યો અને તૂટી પડેલા વીજ પોલને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વીજ પોલ હટાવ્યા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. વિજ કંપનીની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હતો.