ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી; બનાસકાંઠા સહિત રાજ્યમાં ગ્રામ પંચાયતોની બાકી રહી ગયેલ ચૂંટણી આગામી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તેની તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે એપ્રિલ કે મે મહિનામાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થઇ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022 થી 30 જૂન 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી દેવાઈ છે. વધુ મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણી 2 વર્ષથી પાછળ ઠેલવવામાં આવી રહી છે. જ્યાં વહીવટદાર શાસન હોઈ ગામડાઓની વિકાસ પ્રક્રિયા પર અસરો પડી રહી છે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ તૈયારી શરૂ કરવામાં આવતા તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ સહિત ગામલોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.