મહેસાણા મામલતદાર કચેરીમાં ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રેશનિંગનું કામ બંધ રહેશેનું બોર્ડ લાગ્યું
મહેસાણા મામલતદાર કચેરીની બહાર બુધવારે હાલમાં ચૂંટણીની કામગીરીને લઇ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રેશનિંગ કાર્ડની કામગીરી બંધ રહેશેનું બોર્ડ લાગતાં ગામડેથી આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો. જોકે, અધિકારીઓને ધ્યાને આવતાં બોર્ડ તાત્કાલિક ઉતારી લેવડાવ્યું હતું.
મામલતદાર ઉર્વિશ વાળંદ અને પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ દ્વારા આવકના જાતિના દાખલા, ઈ-ધરા અને પુરવઠા સહિતની જમીન લગત કેસો સિવાયની તમામ રૂટીન કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમ છતાં બુધવારે પુરવઠા શાખાની બારી આગળ હાલમાં ચૂંટણીની કામગીરી હોઇ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રેશનિંગ કાર્ડની તમામ કામગીરી બંધ રહેશેના એક નહીં બબ્બે બોર્ડ મરાયા હતા. આ બોર્ડ જોઈ ગામડેથી કામગીરી લઈને આવેલા લોકો પરત ફરતા હતા. મામલતદાર ઉર્વીશ વાળંદને પૂછતાં તેમની જાણ બહાર જ કર્મચારીઓએ આ બોર્ડ લગાવ્યા હોવાનું કહી તાત્કાલિક અસરથી બંને બોર્ડ બપોર પછી ઉતરાવી લીધા હતા.