ડીસા–દાંતીવાડા હાઈવે પર ટ્રકની ટક્કરથી વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા–દાંતીવાડા હાઈવે પર ટ્રકની ટક્કરથી વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

નેનો કારને પુરઝડપે ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

ડીસા–દાંતીવાડા હાઈવે પર હનુમાન મંદિર નજીક બનેલા અકસ્માતમાં એક વૃદ્ધને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના વાસડા ગામના ભરતકુમાર હીરાજી સોલંકી પોતાના પિતા હીરાજી શમેળાજી સોલંકી સાથે તા.14 માર્ચના રોજ રાણપુર આથમણાવાસ ખાતે સંબંધીઓના લગ્ન પ્રસંગે ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ બપોરે લગભગ 2:20 વાગ્યાના સમયે તેઓ પોતાની નેનો કાર (નં. GJ 24 K 7159) લઈને વાસડા તરફ પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન ડીસા–દાંતીવાડા હાઈવે પર કમલદીપ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ વચ્ચે હનુમાન મંદિર પાસે પહોંચતા દાંતીવાડા તરફથી આવતી ટ્રક (નં. GJ 09 Z 7111) ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કારના ડ્રાઈવર સાઈડના દરવાજે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા હીરાજી સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.

અકસ્માત બાદ આસપાસના લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં વધુ સારવાર માટે ડીસાની હોસ્પિટલ અને ત્યારબાદ પ્રગતિ ન્યુરો સ્પાઈન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેમને માથામાં હેમરેજ થવાથી મગજમાં ગંભીર ઈજા થઈ છે અને લકવાની અસર પણ જોવા મળી છે. આ ઘટનાને લઈને ભરતકુમાર સોલંકીએ ટ્રક ચાલક સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *