એસએમસીના પોલીસ ઈન્સપેક્ટરના માતા પિતાની કરાઈ હત્યા; લાખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતિની હત્યાના બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસીને એસએમસીમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર એ.વી પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરીને ફરાર થયા ગયા હતા. જાણવા મળ્યા મુજબ આ પતિ-પત્ની ખેતરમાં રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો તેમની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ જતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે આગથળા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસને શંકા છે.
મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો તિક્ષણ હથિયાર વડે આ હત્યા થઈ હોવાની માહિતી સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જોકે, હત્યા થવાનું કારણ અકબંધ છે, ઘરની આસપાસ કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે રોડ પર રહેલા સીસીટીવી તપાસ માટે લીધા છે તેમજ એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે કે શું તેને લઈ પોલીસની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે. આ કમકમાટી ભર્યા બનાવને લઈ જસરા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે.