ખેરોજ પોલીસે બાતમીના આધારે જોટાસણ ત્રણ રસ્તા નજીકથી એક બાળકિશોરને ચોરીની બાઈક સાથે ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં વધુ સાત બાઈકોની ચોરી ખૂલી છે. પોલીસ સ્ટેશનના PI એન.આર.ઉમટ અને સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણીના ગાઉંપીપળ ગામનો બાળકિશોર ચોરીની બાઈક સાથે આવી રહ્યો છે. પોલીસે જોટાસણ રસ્તા પાસેથી આરોપીને GJ.09.CA.4982 નંબરની બાઈક સાથે પકડ્યો હતો.
આરોપી પાસે બાઈકના કાગળો ન મળતાં પોકેટ કોપમાં તપાસ કરતા આ બાઈક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ચોરી તરીકે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું. પૂછપરછમાં આરોપીએ સહ-આરોપી સાથે મળીને વધુ સાત બાઈકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીના ઘર નજીકની ઝાડીમાંથી બાકીની સાત બાઈકો કબજે કરી લીધી છે. કુલ આઠ બાઈકોમાંથી ત્રણ બાઈકો ખેડબ્રહ્મા, ઇડર અને વડાલી પોલીસ સ્ટેશનમાં ચોરી તરીકે નોંધાયેલી છે. કુલ 2.15 લાખની કિંમતની આઠ બાઈકો જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં સહ-આરોપી હજુ ફરાર છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.