જ્યારે વિશ્વના ટોચના સ્ટાર્સ ઓસ્કાર એવોર્ડ્સની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ભૂકંપ આવ્યો. ડોલ્બી થિયેટરમાં ૯૭મો ઓસ્કાર એવોર્ડ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર હોલીવુડમાં હતું. ભૂકંપનું કેન્દ્ર સમારોહ સ્થળથી થોડા માઇલ દૂર હતું. સ્થાનિક સમય મુજબ, રવિવારે રાત્રે 10 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ અંગે લોકોએ કહ્યું કે તેમણે ઇમારતો ધ્રુજતી જોઈ અને કંપન અનુભવ્યું. ભૂકંપ અંગે, યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં ઘણા માઇલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા ઓછી હતી જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાન કે લોકોના ઘાયલ થવાની કોઈ માહિતી નથી. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા સમગ્ર શહેરના મધ્ય ભાગમાં અનુભવાયા હતા. ધરતીકંપ પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ અથવા અથડામણને કારણે થાય છે. જ્યારે પ્લેટો વચ્ચે રહેલી ઉર્જા કોઈ કારણસર અચાનક મુક્ત થાય છે, ત્યારે પૃથ્વી ધ્રુજવા લાગે છે. આ ઉર્જા ભૂકંપના તરંગોના રૂપમાં ફેલાય છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે. જ્વાળામુખી ફાટવાથી અને ખાણ વિસ્ફોટથી પણ ભૂકંપ આવી શકે છે.