ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં હજારો ગૌવંશ સાથે આશરો લીધો
રાજસ્થાન મારવાડ કચ્છ વાગડ અને વઢીયાર સહિતના માલધારી પરિવારો નું આગમન
કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગૌવંશ ને જાળવી રાખતા માલધારીઓ; ઉનાળાની કાતિલ ગરમી વચ્ચે પાણી અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ત્યારે હજારો ગૌ વંશનુ લાલન પાલન કરવું માલધારીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે જેને લઇ રાજસ્થાન મારવાડ કચ્છ વાગડ વઢીયાર સહિતના વિસ્તારમાંથી હિજરત કરી માલધારી પરિવારો ગોવંશ ને લઇ ડીસા તાલુકાના ના વિવિધ વિસ્તારોમાં આશરો લીધો છે.
ઉનાળાની સિઝન દરમિયાન પાણી અને ઘાસચારા ને લઇ માલધારીઓને પોતાના વતનમાં કફોડી સ્થિતિ સર્જાતા બનાસકાંઠા જિલ્લામાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો કૃષિક્ષેત્રે સમૃદ્ધ ગણાય છે અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઉનાળુ વાવેતર થાય છે જેના કારણે માલધારીઓને ઘાસચારો અને પાણીની સગવડ મળી રહેતી હોય છે. જેથી ડીસા તાલુકા વિવિધ ગામોમાં માલધારીઓએ તેમની હજારો ગૌવંશ સાથે આશરો લીધો છે ઠેર ઠેર રસ્તાઓ પર માલધારીઓ ગૌવંશ નું ધણ લઈને જોતા જોવા મળી રહ્યા છે.
ચોમાસુ શરૂ થતા માલધારીઓ વતન ફરી જતા હોય છે; ડીસા તાલુકામા ઉનાળાની ઋતુમાં સમયાંતરે પશુધનની રક્ષા અને પશુપાલન વ્યવસાયને જાળવી રાખવા માટે અન્ય પ્રાંતના માલધારી કુટુંબો ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા ધરાવતા જુદા જુદા સ્થળોએ આશરો લીધો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓને સ્થાનિક વિસ્તારમાં ઘાસચારો મળી રહેતા તેમના નિર્વાહ થાય છે જો કે ચોમાસુ ઋતુ શરૂ થતાં માલધારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે.
ડીસા તાલુકામાં અત્યારે સક્કરટેટી અને તરબૂચના ખેતરો માં ચારો મળી રહે છે; ડીસા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં વાવેલ સક્કરટેટી અને તડબુચના ખેતરોનું ભેલાણ થતાં ગાયોને ચારો-નિરણ મળી રહ્યું છે જ્યારે હવે બાજરી ની કાપણી શરૂ થતા બાજરીના ખેતરમાં પણ પૂરતો ચારો મળી રહેશે જેથી માલધારીઓને આગામી એક મહિના સુધી ડીસા તાલુકા માં આશરો લેતા હોય છે.
વિકટ પરિસ્થિતિમાં પણ હજારો ગૌવંશને જાળવી રાખતા માલધારી; ઉનાળાની ઋતુ દરમિયાન પાણી અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાતી હોય છે જેને લઇ માલધારીઓ પોતાના કુટુંબ કબીલા સાથે વતનથી સ્થળાંતર કરી પાણી અને ઘાસચારો મળી રહે તેવા વિસ્તારમાં આશરો લેતા હોય છે ત્યારે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ હજારો ગૌવંશ ને જાળવી રહ્યા છે.