મેન્ટનન્સ અને પ્રિ-મોન્સૂનના પોકળ દાવાઓ પોકળ નીવડ્યા
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં કોઇપણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે, પરંતુ અહીં આવ્યા પછી સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી સજાને બદલે મજા ભોગવતા થઈ જાય છે, સીઝનમાં ગમે ત્યારે જરાક વરસાદ પડે કે વીજળી ગુલ થઈ જતી હોય છે, જેમાં ખાસ કરીને વિજકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે, ઠેરઠેર વિજપોલઓ અને વિજતારો ઝાડની ડાળીઓમાં ફસાયેલા હોય અને વેલા વીંટલાઈને વિજપોલ ને ઢાંકી દે,જેને લઈ ક્યારેક વિજફોલ્ટથી કે કરંટથી નિર્દોષ પશુઓ કે માનવને નુકશાન થવાનો ભય તોળાઈ રહેતો હોય છે.
ખેતરો અને ગામડાઓની શેરીઓમાં તેમજ જ્યાં ત્યાં કેટલીયે જગ્યાએ વિજપોલ પર વીંટળાઈ ગયેલા વેલા વિજતાર સાથે હરીફાઈ કરવા લાગે તોય એ વેલા કે ઝાડની ડાળીઓને દૂર કરવાની જાણે વિદ્યુત બોર્ડ સુઈગામ પાસે કોઈ ફુરસદ જ નથી તેવું લાગી રહ્યું છે, ક્યારેક કોઈ કામ માટે સોસીયલ મીડિયામાં વાહવાહી કરાવતા વિદ્યુત કર્મીઓને વિજપોલ કે વિજતાર સાથે જોડાયેલા વેલા કે ઝાડની ડાળીઓ દૂર કરવા માટે જાણે સમય જ નથી,ત્યારે કોઈ જાનમાલને નુકશાન થાય તે પહેલાં ઠેર-ઠેર વિજપોલ અને વિજતાર સાથે જોડાયેલા ઝાડની ડાળીઓ અને વેલા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

