નર્સિંગના 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા; મહેસાણાના રામોસણા ચાર રસ્તા પાસે આવેલા રેલવે ગન્નાળામાં ડ્રાઇવરની બેદરકારીથી 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જવા પામ્યા હતા. પાણી ભરેલા ગન્નાળામાં ડ્રાઇવરે બસ ઉતારી દેતા નર્સિંગ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ ખેડયું હતું. જેમાં ગન્નાળા માંથી બસને પસાર કરતી વખતે અચાનક જ બસ બંદ થઈ ગઈ હતી જેના કારણે પાણી ભરેલા ગન્નાળામાં બસ સહિત વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
સમગ્ર મામલો જોવા જઈએ તો મહેસાણા લાયન્સ હોસ્પિટલ દ્વારા ચલાવબામાં આવતી નર્સિંગના 40 વિદ્યાર્થીઓ ભરેલી બસ સોમવારે સવારના અરસામાં રામોસણા ગન્નાળામાં છલોછલ પાણી ભરેલું હોવા છતાં પણ ડ્રાઇવરે પોતાની ચાલાકી અને હોંશિયાર બતાવતા હોય તેમ ભરેલા પાણીની અંદરથી બસ પસાર કરતા તમામ વિદ્યાર્થીઓના જીવ પડીકે બાંધી દીધા હતા.
કોલેજની બસ ગન્નાળામાં વચ્ચેના ભાગે ફસાઈને બંધ થઈ જતાં બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. રામોસણા ગન્નાળામા કોલેજની બસ પાણીમાં ફસાઈ હોવાની જાણ કરતાં જ કોલેજના આચાર્ય સહિતનો સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતું ત્યારે બાદ ઘટનાનો તાગ મેળવી યુદ્ધના ધોરણે ક્રેન બોલાવી ક્રેન દ્વારા બસને ગન્નાળાની બહાર કાઢવામાં આવી હતી.જ્યારે વિદ્યાર્થીઓને અન્ય બસ મારફતે વડનગર તેમના કાર્ય સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ગન્નાળામાં પાણી ભરેલું હોવાથી પોલીસ વિભાગ દ્વારા લોકોના જીવને જોખમ ન થાય તે હેતુથી બેરિકેટ મુકવામાં આવ્યા હતા પરંતુ આ બસ ચાલકે તે બેરિકેટ હટાવીને બસને ગન્નાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે પોતાના જીવની સાથે અન્ય 40 વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકનાર બસ ડ્રાઈવરની ગંભીર ભૂલ સામે આવી હતી.
ગન્નાળામાં ફસાયેલી આ બસને ક્રેનથી બાંધીને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવને પગલે નર્સિંગ કોલેજના આચાર્ય ડૉ. જયેશભાઈ પાટીદારે જણાવ્યું હતું કે ડ્રાઈવરની આ ગંભીર ભૂલ છે જે ચલાવી લેવાય તેમ ન હોઈ તેના પર કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે.

