મહેસાણામાં કારચાલકને ચાલુ કારે હાર્ટ એટેક આવાની ઘટના બની છે જેમાં કાર ચાલક કાર લઈને જતો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવે છે અને કાર દુકાનમાં ઘુસી જાય છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, તો કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ચડાસણા ગામના રહેવાસી રાવળ આત્મારામભાઈને સવારે ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ GJ02DA3181 નંબરની ઇકો ગાડી લઈને મહેસાણાના પાલાવાસણાથી નદાસા તરફ જઈ રહ્યા હતા.
હાર્ટ એટેક આવતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો હતો. ગાડી પાલાવાસણા-બેચરાજી રોડ પર આવેલા જય અંબે કોમ્પ્લેક્સની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાવળ આત્મારામભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.