વડાણા સંપથી ગામના સંપમાં ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી પહોંચતું નથી; ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી ના મળતું હોવાની રાડ ઉઠી છે પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચતું હોવાનો દાવો કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે.
ભાભર તાલુકાના જાસનવાડા ગામની મુલાકાત લીધી તો ગામ લોકોએ પીવાનું પાણી ના આવતું હોવાનું જણાવ્યું હતુ. આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી છે. જાસનવાડા 400 ઘરો ધરાવતું 3000 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અહીં પીવાના પાણી માટે ઊંચી ટાંકી પણ છે તેમજ દોઢ લાખ લીટરનો સંપ છે. પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપ નાખેલ છે. જેમાં કેટલાય લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં જાસનવાડામાં એકદમ ધીમું પાણી આવવાના કારણે સંપ ત્રણ દિવસે ભરાય છે અને ભરાયા બાદ ચોથા દિવસે જાસનવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે એ પણ એકથી દોઢ કલાક જ પાણી આપવામાં આવે છે. તેથી મહિનામાં આઠ દિવસ જ પીવાનું મીઠું પાણી મળતા ગ્રામજનો ગરમીમાં તોબા પોકારી ઊઠ્યા છે.
પીવા માટે પૈસા ખર્ચીને વેચાતું પાણી લાવવું પડે છે. તેમજ પાણી પ્રશ્ન બાબતે જાસનવાડા ગામના તલાટી દ્વારા પણ તાલુકા પંચાયત કચેરીએ જાણ કરેલ છે. પરંતુ કેટલાય સમયથી પાણીનો પ્રશ્ન હલ થયેલ નથી. આ બાબતે ગ્રામ પંચાયતના પાણી છોડતા વાલમેન જોધાભાઈ રબારીને પૂછતા જણાવ્યું હતું કે સામલા વડાણા સંપથી પાણી આવે છે. પરંતુ એકદમ ધીમુ પાણી આવતું હોવાના કારણે સંપ સાડા ત્રણ દિવસે ભરાય છે અને હું દર ચોથા દિવસે પીવા લાયક મીઠું પાણી આપું છું એ દોઢ કલાક પાણી આપવામાં આવે છે. બાકી રોજ બોરનું ખારું પાણી આપવામાં આવે છે.
આ બાબતે ગામના જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાણા સંપથી જાસનવાડા સંપ સુધીમાં જે લાઈન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકોએ ગેરકાયદેસર કનેકશન લીધેલ હોઈ પાણી બારોબાર જતું રહે છે. જેથી અમારા ગામના પાણીના સંપમાં પાણી પહોંચતું નથી પરંતુ આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી- અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.