પેપર આપી બહાર નીકળતા વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલાની
અંગત અદાવતના કારણે હુમલો, બે આરોપી સામે ગુનો દાખલ,પંથકમાં ખળભળાટ
વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં બોર્ડની ચાલી રહેલી પરીક્ષાઓ વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિયોદરના સોની ગામમાં પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર બે યુવકોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધોળા દિવસે સ્કૂલના ગેટ પાસે બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે અને લોહીલુહાણ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે.
માહિતી મુજબ, ડીસા તાલુકાના નેસડા ગામનો 18 વર્ષીય મહેશ ચૌધરી ધોરણ-12ની બોર્ડ પરીક્ષા આપી રહ્યો હતો. તે સોની ગામની હાઈસ્કૂલમાં પેપર આપી બહાર નીકળ્યો ત્યારે નેસડા ગામના જ વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ ત્યાં આવી ચડ્યા હતા. અંગત અદાવતના કારણે બંનેએ મહેશ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં મહેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
મેગા શહેરોમાં બનતા બનાવો ગ્રામ્ય વિસ્તારોમાં પણ બનવા લાગ્યા
મેગા શહેરોમાં બનતી આવી હિંસક ઘટનાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બનવા લાગી છે. શાળાઓ જેવા સંવેદનશીલ સ્થળોની બહાર જ આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી ગુનાખોરી ચિંતાનો વિષય બની છે.
સુરક્ષા સામે સવાલો
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે કારણે પરીક્ષા કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તેમ છતાં દિયોદરના પરીક્ષા કેન્દ્રની બહાર જ થયેલા આ હુમલાએ સુરક્ષા વ્યવસ્થાઓની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર નીકળે ત્યારે તેમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત અને દેખરેખ વધુ મજબૂત કરવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે.

