વિશિષ્ઠ પ્રકારની સેવા થકી ગાયોના જીવને બચાવવાનું મહત્વનું કામ કરતી ડીસાની શ્રી જલારામ ગૌશાળા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભારતીય સંસ્કૃતિમાં ગૌરક્ષાનું એક વિશિષ્ઠ મહત્વ છે ત્યારે ગુજરાતમાં અનેક સ્થળોએ ગૌશાળાઓના માધ્યમથી અભૂતપૂર્વ ગૌસેવા થઈ રહી છે.ડીસા નગર અને તાલુકામાં પણ અનેક ગૌશાળાઓ તેમજ પાંજરાપોળો છે ત્યારે ડીસાની શ્રી જલારામ ગૌશાળાનું સેવાકાર્ય વંદનીય, અભિનંદનીય,સરાહનીય, અનુમોદનીય અને પ્રેરણાદાયી છે.છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત આ ગૌશાળા અંદાજે ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) ચોરસ ફૂટ જગ્યામાં પથરાયેલી છે અને તેનો ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નં.ઈ/૧૮૧૦ (બનાસકાંઠા) છે.સને ર૦૦૯ માં આ ટ્રસ્ટને ઈન્કમટેક્ષનું ૮૦ (જી) કર માફી પ્રમાણપત્ર મળેલ છે. ભરતભાઈ નારણલાલ ઠક્કર, મદનભાઈ સોની, પ્રવિણભાઈ શાહ, ભૂપતભાઈ ઠક્કર, મહેશભાઈ જીવરાજભાઈ પોપટ, શંકરભાઈ ઠક્કર (પારકર મેડીકલ), રમેશભાઈ બંસરી વિગેરે આ ગૌશાળાના ટ્રસ્ટીઓ છે પણ વર્તમાન સમયમાં આમાંથી ઘણા બધા પુરતો સમય ફાળવી શકતા નથી.
કોઈપણ સંસ્થા કે ગૌશાળામાં ટ્રસ્ટીઓની જેમ જ કેટલાક સમર્પિત કાર્યકરો પોતાનો ખાસ સમય ફાળવીને વિશેષ ઉપયોગી થતા હોય છે.શ્રી જલારામ ગૌશાળા ડીસામાં પણ મહેશભાઈ ઉડેચાની વિશેષ સેવા રહી છે અને હાલમાં પણ રમેશકુમાર ડી.ઠક્કર (આર.ડી.) અને વિનુભાઈ પટેલ વિશેષ સમય ફાળવીને સેવા કરી રહેલ છે.ગાયો,પશુ,પક્ષીઓની આરોગ્ય સંભાળ રાખતા વેટરનરી ડૉકટર કલ્પેશભાઈ ગૌસ્વામીની સેવા વંદન અને અભિનંદનને પાત્ર છે. ગૌશાળામાં ઘણા લાંબા સમયથી સેવા આપતા મેનેજર શાંતિભાઈ ઠક્કર પણ મિતભાષી અને સારા કાર્યકર છે.હાલમાં ૧૬૪ ગાયો, ૩ર વાછરડાં અને ર૪ માંદી ગાયો સાથે કુલ રર૦ ગાયો અને પ૦ જેટલાં બિમાર કબૂતર આ ગૌશાળામાં નિવાસ કરે છે.
આ ગૌશાળામાં ત્રણ પ્રકારનાં શેડ છે. પ્રથમ શેડમાં ખુબ જ બિમાર અને અશકત ગાયો છે.આ ગાયો થોડીક સારી કે સાજી થાય એટલે બીજા શેડમાં લઈ જવામાં આવે છે.સંપૂર્ણ સાજી થયા પછી એને ત્રીજા શેડમાં લઈ જવામાં આવે છે. સંપૂર્ણ લાઈટીંગ અને સરસ મજાના પંખાની સગવડ ધરાવતા ત્રણેય શેડમાં રોજ સવારથી સાંજ સુધી ગાયોને જરૂરીયાત મુજબ ઘાસચારો, પાણી, દવા વિગેરે આપવામાં આવે છે.ચોથા શેડમાં ગાયો છૂટી ફરતી હોય છે.ઘાસસંગ્રહ માટે ત્રણ ગોડાઉન છે. એક ચબૂતરો,એક એમ્બ્યુલન્સ વાન, ટ્રેકટર, ઓજારો, ગાયોને પાણી પીવાના હોજ વિગેરેની સંપૂર્ણ સગવડ ધરાવતી આ જલારામ ગૌશાળાને તાત્કાલિક એક ટ્રેકટર અને ઘાસકટરની પણ જરૂરીયાત છે.નાના મોટા દાતાઓના સહકારથી ચાલતી આ ગૌશાળામાં ભુતકાળમાં પણ પરમ આદરણીય દશરથભાઈ આચાર્ય પરિવારની ખુબ જ મોટી મદદ મળેલી છે. જલારામ ગૌશાળાને હાલ આ જગ્યા નાની પડતી હોઈ ભવિષ્યમાં અંદાજે ૮થી ૧૦ વીઘામાં ગૌશાળા શરૂ થાય તેવા પ્રયત્નો ચાલુ છે.અનેક નામી-અનામી ગૌભકતો આ ગૌશાળાને મદદ કરી રહ્યા છે અને હજુ પણ ગાયોની રક્ષા માટે વધારે દાનની જરૂર હોઈ લગ્ન દિન,જન્મદિન, પુણ્યતિથિ કે કોઈ ખુશી સમાચાર અનુસંધાને રૂા. ૧૧૦૦ થી લઈને એક લાખ કે તેથી વધુ દાન આપવા માટે ભરતભાઈ એન.ઠક્કર (મો. ૯૪ર૬૮૯પપ૭૦/ ૭૯૯૦૮૩૮પ૮૦) આર. ડી. ઠકકર (મો. ૯૯૯૮૮૬૮૭૭૧), મહેશભાઈ ઉડેચા (મો. ૯૯૦૪૧૪૯૧૬૩) સહિત સૌ ટ્રસ્ટીઓનો સંપર્ક કરવા ગૌ ભકતોને નમ્ર વિનંતી છે.ચેકથી દાન આપવા માંગતા દાતાઓને બેંક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવશે.
સી.સી.ટીવી કેમેરાથી સજ્જ ગૌશાળામાં કણજી અને શેતૂરનાં બે વૃક્ષો છે.એકાંતરે દિવસે ગાયો માટે સવાસો મણ લીલા ઘાસની જરૂર પડે છે.મહેન્દ્રભાઈ પટેલ નામના એક ગૌભકત તરફથી નિયમિત રૂપે ઘાસનું દાન મળે છે અને એ પુણ્યશાળી વ્યક્તિ વિશે પણ ઘણું બધું લખી શકાય તેમ છે જે એક અલગ લેખથી લખીશું. ઉતરાયણ પર્વ વખતે અનેક ઘાયલ પક્ષીઓને અહીં લાવી સારવાર આપવામાં આવે છે અને સાજા થાય એટલે ઉડાડી દેવામાં આવે છે.ઘાસનીરણ માટે સગવડ ધરાવતી ગમાણો પણ બનાવવામાં આવી છે. વાછરડાં માટે અલગ જ વાડો છે જેથી તેમની પૂરતી દેખરેખ રાખી શકાય.
ગૌશાળાની વ્યવસ્થિત સાફસૂફી રહે સાથે સાથે ગાયોની પણ સુચારૂ સેવા થાય તે માટે ચાર ગોવાળ પરિવારો પણ અહીં નિવાસ કરે છે. ઓફિસ રૂમના માધ્યમથી સંપૂર્ણ વહીવટ કરવામાં આવે છે. ડીસા નગરમાં રખડતી બિમાર કે માંદી ગાયના સમાચાર મળતાં જ આવી ગાયને તાત્કાલિક એમ્બ્યુલન્સ વાનમાં લઈ જઈ પૂરતી સેવા કરવામાં આવે છે.‘નાણું મળે પણ ટાણું ના મળે’ એમ આ ગૌશાળા માટે શકય તેટલી વધુ રકમ દાન કરવા જેવી છે.તાજેતરમાં શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્વારા તા.રપ-૬-ર૦ર૦ ને ગુરૂવારે આ ગૌશાળા ખાતે ૧૦૧ મા ગુરૂવાર નિમિત્તે જલારામ બાપાનાં ભજન કરીને વાતાવરણને અતિ દિવ્ય બનાવવામાં આવ્યું હતું અને રૂપિયા રર૦૦૦ જેટલંું દાન પણ આપવામાં આવ્યું હતું.ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓ, કાર્યકરો, મેનેજર, ગોવાળો,ડૉકટર વિગેરે મિલનસાર સ્વભાવના છે. ગાયો માટે દયા,કરૂણા, લાગણી ધરાવતા નિયમિત, કર્મઠ અને નિખાલસ કાર્યકરોની આ ગૌશાળાને હજુ વધારે જરૂર છે. જે સંસ્થા વધારે સારા કાર્યકરો ધરાવતી હોય તેને વધારે દાન પણ મળી રહે છે. હાલમાં કાર્યરત સૌ કાર્યકરોને પણ કોટિ કોટિ વંદન.. અભિનંદન… શુભેચ્છાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.