કોઈ કોઈને કશું આપી શકતું નથી કે કોઈની પાસેથી કશું મેળવી શકાતું નથી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હું કોઈને સુખી કરવા માટે કદાચ થોડા રૂપિયા કે અન્ય ચીજવસ્તુ આપીને સંતોષ મેળવી શકું પરંતુ જેને સુખી કરવા માટે મેં જે પ્રયત્નો કર્યા છે તેમાં ધારી સફળતા ન મળી હોય તેવાં અનેક દ્રષ્ટાંતો આપણી આજુબાજુ છે. તે રીતે કોઈનું છીનવીને તેને દુઃખી કરવાનો પ્રયત્ન પણ મારો સફળ થતો નથી.તેથી કહેવત પડી છે હાથમાંથી લઈ લેશો પણ કિસ્મતમાંથી કોઈ કશું લઈ શકતું નથી કે કોઈને કશું આપી શકતું નથી.
ઠીક આવી જ વાત આધ્યાત્મિક જગત માટે પણ સાચી સાબિત થાય તેવા અનેક પ્રસંગો આપણી સામે આવે છે. કેટલાક ધંધાદારી કહેવાતા ગુરૂજીઓ સાધકમાં શક્તિપાત કરીને તેનો અને તેના પરિવારનો ઉદ્ધાર કરવાની વાતો કરે છે.કયારેક તો સ્વર્ગની સીટ રીઝર્વ કરાવી આપવાના દાવા કરે છે.ઘણીવાર ગુરૂ બોલે તેના કરતાં તેમના પીઠુ ચેલાઓ ગુરૂના ચમત્કારોની વાતો કરીને ચેલકાઓનો વ્યાપ વધારવા પ્રયત્નો કરતો નજરે ચડે છે.
જાે ગુરૂ સાચા અર્થમાં કોઈને કશુંક આધ્યાત્મિક ઉર્જાનું બળ આપી કે લઈ શકતા હોય તો પછી ભૈયુજી મહારાજ જેવા બહુનામી સાધક આધ્યાત્મિક ગુરૂઓને આત્મહત્યા કરવાની જરૂર પડે જ નહીં.
આધ્યાત્મિક ગુરૂઓ જ આપઘાત કરે છે તેવું નથી. અનેક સેલીબ્રીટીઓ પણ પોતાના સુખ સાહ્યબી ભર્યા વૈભવી જીવન જીવતા હોવા છતાં ડીપ્રેશનમાં સરી જઈને આત્મહત્યા કરી લેનારાઓની સંખ્યા ઓછી નથી.
જો સાચા અર્થમાં સાદગીપૂર્ણ જીવન જીવવું હોય તો કોઈએ પણ કહેવાતા સેલીબ્રીટીના જીવનથી અંજાઈને તેમના જેવો જીવનક્રમ અપનાવવાના ખોટા પ્રયત્નો ન કરવા. ભગવાન બહુ જ પ્રેમી છે, તે દરેકની આજીવિકા ચલાવવાની જવાબદારી સુપેરે નિભાવે છે. કીડીને કણ અને હાથીને મણ જરૂર મુજબ આપે જ છે. ભગવાન ભુખ્યા ઉઠાડે છે પરંતુ ભુખ્યા સુવાડતો નથી.
આપણા ગજા પ્રમાણે નાનો મોટો ધંધો ઉદ્યોગ કરવો,નોકરી કરતા હોઈએ તો નિષ્ઠાપુર્વક ફરજ બજાવીને જે કાંઈ કાયદેસર વેતન મળે છે તેમાં જ સંતોષ માનીને સાદગી પુર્ણ જીવન વ્યવહાર ચલાવવો, કોઈની સાહ્યબી જાેઈને અંજાઈ ન જવું પરંતુ કોઈ આપણા કરતાં પણ સામાન્ય કક્ષાનું જીવન જીવતા હોય તો તેમના પ્રત્યે હમદર્દી રાખવી. તેમની તકલીફોને સમજવાનો પ્રયત્ન કરવો.
કહેવાતા સેલીબ્રીટીઓના જીવનથી અંજાઈ ન જવું, આંધળુ અનુકરણ ન કરવું. જાે ધન વૈભવમાં સુખ હોત તો એવા લોકો દુઃખી ન હોત કે એવા લોકો આત્મહત્યા કરવા પ્રેરાયા ન હોત.
પોતાની ચાદર પ્રમાણે જ પગ લાંબા, પહોળા કે સાંકડા કરીને શાંતિથી સુવાનો પ્રયત્ન કરનાર હંમેશા આંતરિક આનંદનો અનુભવ કરી શકે છે. તેથી મહાત્મા ગાંધીજીએ કહ્યું છેઃ
‘સાદું જીવન ઉચ્ચ વિચાર, કોઈની પાસેથી અપેક્ષા રાખ્યા વગર સરળ જીવન જીવતાં શીખીએ’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.