સેવા,સ્મરણ,સ્નેહ,સૌજન્ય,સમર્પણ થકી ઉમદા જીંદગી જીવતા પાલનપુરના ભાયચંદભાઈ ગીરધરલાલ પટેલ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

દરેક વ્યકિતને પરમપિતા પરમાત્માએ આ પૃથ્વી ઉપર સારાં કામો કરવા માટે જ મોકલેલ છે.પરમાત્માનો આ પવિત્ર હેતુ ઘણા બધા ભૂલી જાય છે.જેને આ હેતુ યાદ હોય છે તેઓ વહેલીતકે સારા કામોમાં જોડાઈને પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરે છે.પિતા ગીરધરલાલ ખુશાલદાસ પટેલ અને માતા પાલાબેનના પરિવારમાં તારીખ ૨૨-૩-૧૯૫૫ ના રોજ પાલનપુર તાલુકાના ખૂબ જ પ્રગતિશીલ ગામ ટાકરવાડા ખાતે જન્મેલા ભાયચંદભાઈ પટેલનો જન્મ સેવાકાજે જ થયો છે.પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ટાકરવાડા ખાતે પૂર્ણ કરી તેમણે ૧૯૮૧ માં પાલનપુર કોલેજ ખાતેથી બી.એ. કર્યું હતું.

તેઓ નાનપણથી જ પ્રકૃતિપ્રેમી હતા અને જોગાનુજોગ ૧૯૭૮ માં ગુજરાત સરકારના વન વિભાગમાં બીટગાર્ડ/વનરક્ષક તરીકે પસંદગી પામ્યા હતા.તેમનું પ્રથમ પોસ્ટીંગ વિસ્તરણ વિભાગ બનાસકાંઠાની પાલનપુર પશ્ર્ચિમ રેંજમાં થયું હતું.આ વર્ષે જ એટલે કે ૧૯૭૮ માં તેઓ ખેરાલુનાં તારાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પાલનપુર, વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતા, દિયોદર, પાલનપુર, અમીરગઢ એમ વિવિધ રેન્જમાં વનરક્ષક તરીકે વારાફરતી ખૂબ જ ઉમદા ફરજ બજાવ્યા બાદ ૨૦૦૮ માં જે.બી.આઈ.સી. ફોરેસ્ટર/વનપાલ તરીકે પ્રમોશન મળ્યું હતું.તારીખ ૩૧-૩-૨૦૧૩ ના રોજ ખૂબ જ સારી તંદુરસ્તી સાથે વયનિવૃત થયા હતા.વયનિવૃતિ વખતે તેઓ જે.બી.આઈ.સી.મદદનીશ વન સંરક્ષક શ્રી બી.એસ.ઠકકર પાસે બનાસકાંઠા સામાજીક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતા હતા.તેમની ચાલુ સરકારી ફરજ દરમિયાન સામાજીક સેવા હેતુ અનેક સારા મહાનુભાવોના સંપર્કમાં આવ્યા હતા.આ બધા જ સંપર્કો નિવૃત થયા બાદ સર્વોતમ માનવ સેવા માટે તેમને ખપ લાગ્યા છે.

સાંઈનાથ સેવા ટ્રસ્ટ પાલનપુર, મંગલ જીવન આશ્રમ સેદ્રાણા, જનસેવા એજ પ્રભુસેવા ટ્રસ્ટ પાલનપુર,જય અંબે મંદ બુધ્ધિ આશ્રમ બાયડ,ઉમતા અપના ઘર,જાયન્ટસ કલબ પાલનપુર,મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર, પ્રભુ સેવા ટ્રસ્ટ લક્ષ્મીપુરા ,લોકસારથી ફાઉન્ડેશન ખાટી ચિતરા,કાશી વિશ્વનાથ મહાદેવ ટ્રસ્ટ ટાકરવાડા સહિત અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. જનસેવા એજ પ્રભુસેવાના સિધ્ધાંતને સફળ તેમજ સાર્થક કરવા તેઓ પૂરેપૂરા સ્વ સામર્થ્ય થકી પ્રયત્નશીલ છે. ખૂબ જ કર્મઠ, જાગૃત, નિષ્ઠાવાન, નિખાલસ, નિયમિત, નિસ્વાર્થ, પ્રમાણિક,નીડર,સેવાભાવી,સરળ, સ્નેહાળ,સૌજન્યશીલ એવા ભાયચંદભાઈ પટેલનું પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક ઉચ્ચ કક્ષાનું પ્રેરણાદાયી મિત્રવર્તુળ છે.શ્રી ભાયચંદભાઈ પટેલને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૪૨૭૩૧૫૮૨૪ છે.

૨૦૦૫ થી વિવિધ ક્ષેત્રોમાં તેમની નિયમિત સેવા ચાલુ જ છે.પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની તેમની ભાવના ઉચ્ચ કોટિની છે.વનવિભાગમાંથી નિવૃત થયા હોઈ વૃક્ષો વાવવાં,વવરાવવાં અને સાચવવાં એ બાબતે વર્તમાન સમયમાં તેમની વિશેષ રૂચિ છે.રાજસ્થાનના જોધપુર પબ્લિક પાર્ક,ખૂણિયા અંબાજી માતાજી મંદિર, સોમનાથ મહાદેવ લુણવા, ઉકરડા બસ સ્ટેશન, ચિત્રાસણી બસ સ્ટેશન,કોન્વેન્ટ સ્કૂલ પાલનપુર એમ તમામ જગ્યાએ તેમના સ્વહસ્તે વાવેલ ૮૦૦ થી ૯૦૦ જેટલાં વૃક્ષો આજે ઘટાદાર બનીને અનેકજનોને રાહત આપી રહેલ છે. પાલનપુરના તેમના નિકટના અતિ સેવાભાવી મિત્રો મહેન્દ્રભાઈ કનૈયાલાલ શાહ, કપીલભાઈ દેવીચંદ અગ્રવાલ,નરેશભાઈ ભેમજીભાઈ કરણાવત,અમીતભાઈ પઢિયાર, જયેશભાઈ સોની, હસમુખભાઇ ચૌહાણ, ગૌતમભાઈ પટેલ- લક્ષ્મીપુરા, ચિરાગભાઈ વોરા જેવા અનેક મહાનુભાવો તેમના સત્કાર્યોમાં વિશેષ મદદરૂપ થાય છે.ગુજરાતમાં તેઓ સોમનાથ, દ્રારિકા, સમગ્ર કાઠિયાવાડ, અંબાજી, બેચરાજી, નડાબેટ, સમગ્ર કચ્છ, નર્મદા કિનારો-માલસર એમ અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને સોમનાથ તેમજ નર્મદા કિનારે માલસર વધારે ગમેલ છે. ભારતમાં તેઓ મસૂરી, દહેરાદૂન, હરિદ્વાર, ૠષિકેષ, દિલ્હી, હિમાચલ પ્રદેશનાં ડેલહાઉસી, સીમલા, કુલુ, મનાલી, ખજિયાર, ધર્મશાલા, બદ્રીનાથ, કેદારનાથ,જમ્મુ, કાશ્મીર, મુંબઈ, મણી મહેશ કૈલાશ એમ અનેક સ્થળોએ ફર્યા છે. આ બધામાં તેમને ડેલહાઉસી તેમજ મણી મહેશ કૈલાશ વધારે ગમેલ છે.૨૦૧૦ માં કૈલાશ માન સરોવરની પવિત્ર યાત્રા તે મણે કરી હતી. નેપાળમાં મુકિતનાથ તેમજ પશુપતિનાથની યાત્રા કરેલ છે.ઓશો રજનીશનું સાહિત્ય વાંચવાનો તેમને ઘણો શોખ છે. આ ઉપરાંત જે. કૃષ્ણમૂર્તિ, વીમલાતાઈ, મોહમ્મદ માંકડ, કનુભાઈ આચાર્ય જેવા લેખકોનું સાહિત્ય વાંચ્યું છે. તેમણે બે કૈલાશનાં દર્શન કરેલ છે.ભવિષ્યમાં આદિ કૈલાશ, શ્રીખંડ કૈલાશ, કિન્નર કૈલાશ એમ વધુ ત્રણ કૈલાશનાં દર્શન કરવાની તેમની પ્રબળ ઈચ્છા છે.શ્રી બ્રહ્માકુમારી પરિવાર તેમજ શ્રી આર્ટ ઓફ લીવીંગ પરિવાર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.

જૂના શેભર ગોગ મહારાજની બાજુમાં પૂજ્ય પાગલભારથીજી મહારાજ હતા જે તેમના પ્રિય સંત હતા.

પૂજ્ય પાગલભારથીજી મહારાજ સ્વર્ગે સિધાવેલ છે.વીરમગામની બાજુમાં હનુમાનજી મંદિર વઘાસીયાના ર્નિમળદેવ મહારાજથી તેઓ પ્રભાવિત છે.ભવિષ્યમાં આધ્યાત્મિકતા,સેવા તેમજ સ્વજાગૃતિ તરફ વિશેષ આગળ વધી આત્મકલ્યાણ કરવાની તેમની ઈચ્છા છે.૨૦૨૨ માં જાયન્ટસ કલબ પાલનપુર તરફથી તેમનું વિશિષ્ટ સેવા કામગીરી બદલ દબદબાભેર સન્માન થયું હતું.હાલમાં તેઓ જાયન્ટસ કલબ પાલનપુરના ખૂબ જ સક્રિય પ્રમુખ છે. ૨૦૦૭ માં તેમને આંખનો ગંભીર પ્રોબ્લેમ થયો ત્યારે તેમના લંગોટિયા ભાઈબંધ અને પાલનપુર પંથકના ખૂબ જ માનવતાવાદી ડોકટર મેવાડા સાહેબ તેમની હોસ્પિટલ બંધ રાખીને પણ તેમની સાથે ચેકઅપ કરાવવા અમદાવાદ ગયેલ.આ ઘટનાનું તેઓ વારંવાર સ્મરણ કરી એક મિત્ર કેવો હોય તેનું ઉદાહરણ ટાંકે છે.બેંગ્લોરના શ્રી રશ્મિકાંત મહેતાએ ગૌસેવા માટે સર્વોતમ દાન આપેલ તે વાતને યાદ કરી તેઓ તેનો રાજીપો વ્યક્ત કરે છે. કોઈપણ પ્રકારના નાતજાત કે ધર્મના ભેદભાવ સિવાય સૌ સેવાધારીઓનું સન્માન કરવામાં તેઓ માને છે. કોરોના દરમિયાન મજલીસે દૌલત હક અને પાલનપુરના મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશને સાથે મળી સમગ્ર આલમની સર્વોતમ માનવસેવા કરેલ તેનાથી પ્રભાવિત થઈ ભાયચંદભાઈએ તેમનું દબદબાભેર સન્માન કર્યું હતું. તેમની આંખની ઉતમ સેવા કરવા બદલ મુંબઈ જઈને ડોકટર નરેન્દ્ર મહેતાનું તેમણે સન્માન કર્યું હતું.પાલનપુરના માનવતાવાદી હોમિયોપેથિક ડોકટર સદગત હીરાભાઈ પટેલને સન્માનિત કર્યા હતા.

૩૧ ગામ કડવા પાટીદાર સમાજ પાલનપુરનો ખૂબ જ પ્રેરણાદાયી વડીલ વંદના કાર્યક્રમ નિહાળી તેના આયોજક દેવપુરાના શ્રી બેચરભાઈ ઈલાસરિયાનું તેમણે હરખભેર સન્માન કર્યું હતું.

સારા વિચારો,સારા સંપર્કો અને સારાં કાર્યો થકી ખૂબ જ સારૂં જીવન જીવતા શ્રી ભાયચંદભાઈ પટેલને કોટિ કોટિ વંદન…અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેઓ નિરામય-તેજોમય દીર્ઘાયુ સાથે અવિરત સેવાપંથે આગળ ધપતા જ રહે તેવી પરમપિતા પરમાત્માને અંતઃકરણની પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ) ડીસા
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.