સમગ્ર વિશ્વની માનવજાતને સુધારીને તેની ઓકાતનો પરિચય કરાવતી કોરોના મહામારી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એક સામાન્ય મચ્છર, કીડી, મંકોડો કે આવા અનેક સુક્ષ્મ જીવોનું મહત્વ તો આપણે જાણતા હતા અને આ બધા જ જીવો દ્રશ્યમાન હોવાને લીધે આપણે સજાગ પણ હતા. કોરોના વાયરસે ર૦૧૯ ના છેલ્લા દિવસોમાં ચીનમાં પ્રવેશ કરીને ર૦ર૦ ના માર્ચ સુધી તો લગભગ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધી રહ્યા છે અને મૃત્યુનો દર પણ સારા એવા પ્રમાણમાં વધ્યો છે. પરમાત્મા કે કુદરતે માણસનું સર્જન કર્યું અને આ મહાસત્તાની સામે પડીને માણસની જાતે ના કરવાનાં અનેક કુકર્મો કર્યા. પાપ છાપરે ચડીને પોકારે તેમ આપણા સૌના પાપનો હિસાબ કોરોના વાયરસના માધ્યમથી થઈ રહ્યો છે.માણસ માટે માંસાહાર જરૂરી છે કે કેમ એ વાત બહુ અગત્યની નથી અથવા તો એ વિષય ઉપર ચર્ચા કરવી પણ અસ્થાને છે.માંસાહાર માટે પણ એક પ્રકારની હદ હોવી જરૂરી છે.આ પૃથ્વી ઉપર શાકાહારી અનેક ચીજવસ્તુઓ હોવા છતાં માણસે માંસાહારને પ્રાધાન્ય આપીને એટલી હદે તેનું વળગણ કર્યું કે અનેક પ્રકારનાં પક્ષીઓ અને પ્રાણીઓને પણ ખાવાનું શરૂ કર્યું.કોરોના મહામારી દરમ્યાન વિવિધ દેશોના અને તેમાંયે ખાસ કરીને ચીનના માંસાહારને લગતા અનેક વિડીયો આવ્યા.આ વિડીયોના માધ્યમથી એટલું તો ફલીત થયું જ કે માણસે અનેક પશુપક્ષીઓનો જીવવાનો અધિકાર છીનવી લીધો છે.
કોઈપણ મુંગો જીવ તેની હત્યા જયારે ખોરાક માટે થાય ત્યારે તે પ્રતિકાર ના કરી શકે કે પોતાની વેદના વ્યકત ના કરી શકે પરંતુ એ વખતે સંભળાતી તેની ચીચીયારીઓ છેક ભગવાનના દ્વારે પહોંચતી હશે એ નક્કી છે.કોરોના વાયરસ દરમ્યાન અનેક બાબતોમાં એ સિદ્ધ થયું કે ભારતીય સંસ્કૃતિ ખુબ જ ઉચ્ચ સ્તરે છે. ખોરાક, આરોગ્ય, હવા, પાણી, પહેરવેશ, જીવન પદ્ધતિ, સંસ્કૃતિ, સંસ્કાર, અધ્યાત્મ, લાગણી, કરૂણા, સેવા, દયા, પરિવાર ભાવના, સમાજરચના એમ અનેક વિષયોમાં ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં વિશ્વના અનેક દેશોને ભારતીય સંસ્કૃતિ તરફ વળવું પડશે એ વાત પણ મહદ્‌ અંશે સિદ્ધ થઈ છે. જીવનમાં પૈસો મહત્વનો છે પણ પૈસો આપણો માલિક નથી કે ભગવાન નથી એ બાબતનાં પણ અનેક પૈસા પાત્રોને દર્શન થયાં છે.ગ્રામ્ય સંસ્કૃતિ છોડીને શહેરી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મુકનારાં અનેક પરિવારો પસ્તાયાં છે.
સમગ્ર વિશ્વની માનવજાતને સુધારીને તેની ઓકાદનો પરિચય કરાવવાનું અતિ મહત્વનું કાર્ય કોરોના વાયરસે કર્યું છે.છેલ્લા ૧૬૦ દિવસથી ચીનથી શરૂ થયેલી કોરોનાની યાત્રાએ સમગ્ર વિશ્વને ઝપટમાં લીધેલ છે.માણસ જાતનો ઘમંડ, અહંકાર, હુંપણું,અભિમાન નામશેષ થઈ ગયેલ છે.કોરોનાએ કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય ગરીબ-પૈસાદાર,શહેરી-ગ્રામીણ, નાનો-મોટો, દેશી-પરદેશી, દરેક ધર્મ, સમાજ, જ્ઞાતી એમ સૌને ભરડામાં લીધા છે. કોરોનાના જેટલા ખરાબ અનુભવો થયા છે એટલા જ સેવા માધ્યમોને લીધે અનેકગણા સારા અનુભવો પણ થયા છે. એક સુક્ષ્મ વાયરસની મહાતાકાત આગળ સમગ્ર વિશ્વની માનવજાત ઘુંટણીયે પડી ગઈ છે. એક અદ્રશ્ય વાયરસે સૌને લોકડાઉનના માધ્યમથી પોત પોતાના ઘરમાં જ નજરકેદ કરી દીધા છે. આપણે સૌ ઓછા વધતા પ્રમાણમાં કુદરતના ગુનેગાર છીએ જ. કતલખાને કપાતી ગાયોના વીડીયો જાેઈએ ત્યારે ખાવા ના ભાવે કે ઉંઘ પણ ના આવે તેવી અનેક ઘટનાઓ બની છે. જીવદયા પ્રેમીઓના અવાજને કોઈપણ સરકારે સાંભળ્યા તો નથી જ પરંતુ આવા અવાજને દબાવવાના પણ અશોભનીય પ્રયત્નો થયા છે.આ દેશ કે વિશ્વમાં મુંગા પશુપક્ષીઓનું કોઈ જ રણીધણી નથી.કુદરતે પણ માણસનાં કુકર્મોને કયાં સુધી સહન કરે ? ભુતકાળમાં નાની મોટી આફતો દ્વારા સમગ્ર માનવજાતને ચેતવણી આપવાનું કામ કુદરતે કર્યું છે પણ એ બાબતોને માનવજાતે ગંભીરતાથી ધ્યાને લીધેલ નથી.
કોરોના વાયરસ માનવસર્જીત છે કે કુદરત સર્જીત એ બાબત મહત્વની નથી પરંતુ કોરોનાના માધ્યમથી માનવજાત ત્રાહીમામ પોકારી ગઈ છે એ વાત સો ટકા સાચી છે. કોરોનાને લીધે ગરીબ-તવંગર બધા એક જ લાઈનમાં આવી ગયા છે.જેનો ધર્મ, સત્કાર્ય, પુણ્યકાર્ય મજબુત હશે તેને આસુરીવૃત્તિ કંઈ જ નહીં કરી શકે; પરંતુ કયારેક સુકા સાથે લીલું પણ બળે તેવી પરિસ્થિતિ આજે સમગ્ર વિશ્વની થઈ છે.ભારતીય સંસ્કૃતિનો પાયો આધ્યાત્મિક, પરોપકાર, સેવા, જીવદયા, કરૂણા, ભક્તિ, પ્રેમ સાથે મજબુતાઈથી સંકળાયેલો છે એટલે ભારતની આ તપોભૂમિ કોરોના કટોકટીમાંથી પણ હેમખેમ ઉગરી જશે પરંતુ અનેક પ્રકારના પાઠ ભણાવીને જશે ગરીબોની આંતરડી કકળે કે મજુરોનું ઘોર અપમાન-શોષણ થાય એવી અનેક ઘટનાઓ આ ભારતભૂમિ ઉપર પણ થઈ છે અને તેનો પસ્તાવો કોરોના વાયરસના માધ્યમથી કરી ઉજ્જવળ આવતીકાલ માટે આપણે કટીબદ્ધ બનવું પડશે.સરકારી પ્રયત્નો શકય તેટલા થયા પરંતુ જાે સેવા સંસ્થાઓ આવા સમયે જીવના જાેખમે આગળ ના આવી હોત તો આ દેશ પણ મહા જાેખમમાં મુકાઈ જાત.કોરોનાએ માનવજાત સાથે પુરતો ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે. સેવા સંસ્થાઓની કામગીરી પણ વંદનીય છે.આ વિશે પણ આવતા લેખમાં પ્રકાશ પાડીશું પરંતુ હાલ પુરતા સાવધ રહીને સરકારી ગાઈડલાઈન મુજબ સુરક્ષીત રહીએ તે વિશેષ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.