વિચાર અભિવ્યક્તિ અને મૌલિક લેખન થકી નિજાનંદી જીંદગી જીવતા પાલનપુર-કાંકરેજના ડૉ. ભારમલભાઈ પટેલ/ચૌધરી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર કેટલાક માણસો પોતાની વાણી, લેખન,કર્મ કે અભિવ્યક્તિના માધ્યમથી અનેકજનોને આગવી સમજ અને પ્રેરણા આપે છે.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પિતા ગગદાસભાઈ હરદાસભાઈ પટેલ અને માતા ધુડીબેનના પરિવારમાં તા.૪-૬-૧૯૮૧ ના રોજ રતનગઢ ખાતે જન્મેલા ભારમલભાઈ પટેલ પણ આગવી લેખન શક્તિ ધરાવતા પ્રેરણાદાયી વ્યક્તિ છે.પ્રા.શિક્ષણ રતનગઢ, રવિયાણા ખાતે પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ ખોડા હાઈસ્કૂલ ખાતે લીધું.ધો.૧૧-૧ર સાર્વજનિક હાઈસ્કૂલ મહેસાણા ખાતે કરી મહેસાણામાં જ બી.એચ.એમ.એસ.નો અભ્યાસ કરી તેઓ ડૉકટર બન્યા.ર૦૦પ-ર૦૦૭ દરમ્યાન થરા ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ કરી તા.૧૧-૭-ર૦૦૮ થી કંબોઈ ખાતેથી સરકારી ડૉકટર તરીકેની સેવા શરૂ કરી.માવસરી, ઉંબરી, રાનેર, ડુચકવાડા એમ અનેક સ્થળોએ સેવા બજાવી.હાલમાં પાલનપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં એપીડેમીયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ.ભારમલભાઈ પટેલ એક મળવા જેવા અને માણવા જેવા માણસ છે.

પૂજ્ય પાંડુરંગદાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી એમણે અનેક પુસ્તકો વાંચ્યાં છે. આ બધામાં એમને ‘શ્રીકૃષ્ણ જીવન દર્શન’ ગ્રંથ વારંવાર વાંચવો ગમે છે.તેમણે તા.ર૪-૩-ર૦ર૧ થી વિવિધ અખબારોમાં લેખન પ્રવૃત્તિ શરૂ કરી.દર શુક્રવારે દિવ્યાંગ સંઘર્ષમાં તેમની ‘વિચાર વલોણું’ કોલમ આવે છે. જનસેતુમાં દર સોમવારે પ્રથમ પેજ ઉપર તેમનો ચિંતન લેખ આવે છે.મન,આંતર માનવીય સંબંધો, શાસન વ્યવસ્થા જેવા વિષયોને કેન્દ્રમાં રાખી તેઓ ખૂબ જ મનનીય અને અભ્યાસુ લેખો લખે છે. થરા નચિકેતા સંસ્કારધામ, વનવાસી કલ્યાણ પરિષદ, બાળ ંસંસ્કાર કેન્દ્રો, સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા છે. તેમને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૪ર૯૪૮૦૭૩૧ છે.

ર૪ ઓગ.ર૦૦૯ થી પ ઓકટો.ર૦૦૯ એમ ૪પ દિવસનું ભારતભ્રમણ ૭૦૦ ખેડૂતો સાથે કિસાન ટ્રેઈનના માધ્યમથી તેમણે કર્યું છે.આ દરમ્યાન રાજસ્થાન, યુપી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ સહિત અનેક રાજયોમાં તેઓ ફર્યા છે.છ જેટલાં જયોર્તિલીંગોનાં તેમણે દર્શન કર્યા છે. તેમને મનાલી (હિમાચલપ્રદેશ) અને મુન્નાર (કેરલ) આ બે સ્થળો વધારે ગમે છે.ગુજરાતમાં તેઓ ખૂબ ફર્યા છે અને તેમાંય વિજયનગર ખાતે આવેલ પોળો જંગલ તેમનું મનગમતું સ્થળ છે. ડીસાના ડૉ. વિનોદભાઈ પટેલ, પાલનપુરના ડૉ.સુરેન્દ્રભાઈ ગુપ્તા, થરા નચિકેતા સંસ્કારધામના ડૉ. બાબુભાઈ પટેલ જેવા જ્ઞાન સમૃદ્ધ, અનુભવ સમૃદ્ધ સીનીયરો સાથે તેમની આત્મીય બેઠક છે. રતનગઢ ખાતે રહેતા તેમના ભાઈઓ માનસુંગભાઈ, ભગવાનભાઈ અને તેમની બહેનો વજીબેન (થરા), અમરબેન (કોટડા),જડીબેન (ઓઢા)વિગેરે સારી રીતે સેટ થયેલ છે.ર૩-પ-ર૦૦૩ ના રોજ ધો.૭ ભણેલ ખોડાનાં ભાવનાબેન સાથે તેમનાં લગ્ન થતાં તેમના જીવનને એક નવી દિશા મળી.તેમનાં બાળકો દક્ષ (ધો.૯)અને નિત્ય (ધો.૩) પણ ખૂબ જ સંસ્કારી અને સ્વાધ્યાયી છે.ભવિષ્યમાં પચાસ વર્ષની ઉંમર સુધી સરકારી નોકરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સમાજસેવાની ઈચ્છા ધરાવતા ડૉ.ભારમલભાઈ પટેલ લેખન,વાંચન, પ્રવાસ, જાહેરસેવા,સર્ચીંગના શોખીન છે અને વિશિષ્ઠ પ્રકારની જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. ભૂતકાળમાં તેઓ જી.પી.એસ.સી.કલાસ વન-ટુ ની પરિક્ષામાં પણ પાસ થયા છે.

કાંકરેજ અને બનાસકાંઠાના ગ્રામ્યકક્ષાના વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી.અને જી.પી.એસ.સી. ના માધ્યમથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બને અને એ માટે જરૂરી પ્લેટફોર્મ ઉભું કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવાની ઈચ્છા ધરાવતા ડૉ.ભારમલભાઈ પટેલ આ રીતે માતૃભૂમિનું ઋણ અદા કરવાની ખેવના ધરાવે છે.રાષ્ટ્રને કે સંસ્કૃતિને નુકશાન થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓના તેઓ વિરોધી છે.પૂજ્ય પાંડુરંગ દાદાના સ્વાધ્યાયના વિચારો નાની ઉંમરથી જ તેમને મળેલ હોવાથી તેઓ અનેકજનોને ઉપયોગી થઈ શકે તેવું સંસ્કારી જીવન જીવી રહ્યા છે.ખેડૂત હોવાને નાતે ખેતીપ્રેમી અને જીવદયાપ્રેમી છે.વૃક્ષો વાવવાં, સાચવવાં અને વૃક્ષો વચ્ચે રહેવું તેમનો મનગમતો વિષય છે.

કાંકરેજ તાલુકાનું રતનગઢ ગામ ખૂબ જ પ્રગતિશીલ ગામ છે.રતનગઢનું સ્મરણ કરી અનેક સત્કાર્યો અને લેખન પ્રવૃત્તિ થકી રતનગઢનું નામ ઉજજવળ કરનાર ડૉ.ભારમલભાઈ પટેલ સાથે વાતો કરવી, ચર્ચા કરવી કે સંવાદ કરવો એ પણ અનેરો લ્હાવો છે.તેમના લખાણમાં કયારેક વ્યથા, વેદના અને અપીલનાં દર્શન થાય છે.

તેમને કવિઓ, લેખકો, સાહિત્યકારો, પત્રકારો, ચિંતકો, ગાયકો, સંગીતકારો, શાયરો પ્રત્યે પણ આગવી લાગણી છે.ચૌધરી સમાજ શિક્ષણ ક્ષેત્રે, ખેતીક્ષેત્રે, સહકાર ક્ષેત્રે અગ્રેસર તો છે જ; પણ ડૉ.ભારમલભાઈ પટેલ જેવા ચિંતકોને લીધે સાહિત્ય ક્ષેત્રે પણ અગ્રેસર છે. ખૂબ જ નાની ઉંમરે જથ્થાબંધ વાંચન થકી ઉચ્ચ કક્ષાના સુવિચારો ધરાવતા ડૉ.ભારમલભાઈ પટેલ ભવિષ્યમાં વિશેષ પ્રગતિ કરે અને આગળ વધવા માંગતા યુવાનોને પણ સંપૂર્ણ ઉપયોગી નીવડે તેવી સદભાવના સાથે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ..
ભગવાનદાસ બંધુ (ડીસા)
મો.નં. ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.