લીલીવાડી અને હર્યાભર્યા પરિવારને પ્રેરણા આપીને અલવિદા થયેલ ૧૦૮ વર્ષનાં ખીજડીયાળીનાં પૂજ્ય પશીમા હાલાણી/ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વર્તમાન સમયમાં જીંદગીનું પ્રત્યેક વર્ષ પસાર કરતાં કરતાં પણ માણસ હાંફી જાય છે તેવા સંજાેગોમાં કેટલીક વ્યક્તિઓ સેન્ચ્યુરી મારીને પણ આનંદી રહેતા હોય છે ત્યારે આવી વ્યક્તિઓ ઉપર હંમેશાં ગર્વ અને ગૌરવ થાય છે. પિતા મનસુખલાલ રતનશીભાઈ ઠક્કર અને માતા રૂખીબેનના પરિવારમાં હારીજ ખાતે જન્મેલાં આદરણીય પશીમા તાજેતરમાં તા.ર૪-૧ર-ર૦૧૯ ને મંગળવારે રાત્રે જગતપિતા પરમકૃપાળુ પરમાત્માની ગોદમાં સમાઈ ગયાં ત્યારે તેમની ઉંમર ૧૦૮ વર્ષની હતી જે આનંદ અને આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. મૂળ ખીજડીયાળી (વઢિયાર) ના વતની તેમજ પૂજ્ય ધનજીભાઈ અને દેવીમાના પુત્ર લખીરામભાઈ ઠક્કર/હાલાણી સાથે લગ્ન થયા બાદ પશીમાની કુખે આત્મારામભાઈ (ખીજડીયાળી), કાંતિભાઈ (ખીજડીયાળી), પ્રહલાદભાઈ (અમદાવાદ),રાકેશભાઈ (મહેસાણા), ભગવાનભાઈ (અમદાવાદ) જેવા પાંચ પાંડવ સમાન પુત્રરત્નો તેમજ સવીતાબેન (ડીસા), ઉમિયાબેન (હારીજ), ભાનુબેન (હારીજ), નીતાબેન (હારીજ) એમ ચાર દિકરીઓનો પણ જન્મ થયો. આ નવેય ભાઈ-બહેનોનું પરિવાર આજે તો સમગ્ર ગુજરાતમાં પથરાયેલું છે અને પરિવારના કેટલાક સભ્યો પરદેશમાં પણ છે.ખીજડીયાળી જેવા વઢિયાર પંથકના નાના ગામડામાં લખીરામબાપા અને પશીમાએ વેપાર, ખેતી, પશુપાલનને મહત્વ આપી મોજીલી જીંદગી જીવવાની સાથે સાથે ખૂબ જ સારા સંબંધો પણ ઉભા કર્યા. છેલ્લા દોઢેક વર્ષથી પશીબા ઓછા વધતા પ્રમાણમાં બિમાર રહ્યાં પરંતુ જીંદગીની છેલ્લી ક્ષણ સુધી હંમેશા આનંદી રહ્યાં. જૂના સમયમાં ગામડાઓમાં ડોશીમાનું વૈદુ તરીકે અનેક બહેનો આ કામ કરતી અને તે રીતે જ પશીમાએ પણ અનેક આયુર્વેદિક ઓસડિયાંના માધ્યમથી ખીજડીયાળી અને આજુબાજુના પંથકના અનેક ગામોમાં અનેક લોકોને વિવિધ રોગોમાંથી મુક્તિ અપાવી હતી.
પશીમાનું ડોશીમાનું વૈદુ ખુબ જ પ્રખ્યાત હતું. પશીમા પાસે બાળક,યુવાન, વૃદ્ધ, મહિલા એમ દરેક પોતાનો નાનો મોટો રોગ લઈને આવે અને તેઓ દેશી દવા થકી દરેકને સાજા પણ કરે. ખુબ જ સાત્વિક ખોરાક, સાદું જીવન, ઉચ્ચ વિચારો, મહેનતકશ જીંદગી અને નિખાલસ સ્વભાવ ધરાવતાં પશીમાનું સમગ્ર જીવન આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ, નિયમબદ્ધ અને ક્રમબદ્ધ હતું. રબારી, ઠાકોર, નાડોધા, પ્રજાપતિ, દલિત, દરબાર, દેવીપૂજક જેવાં અંદાજે ૧૧૦ પરિવારોનું નાનકડું ગામ ખીજડીયાળીમાં એક માત્ર લખીરામભાઈનું જ લોહાણા પરિવાર હતું; છતાં પણ ગામમાં મોભાવાળું આબરૂદાર પરિવાર હતું. જાહેર જીવનમાં કે ગામના સત્કાર્યોમાં પશીમાનું હંમેશા સલાહ સુચન રહતું. પશીમાના પિતાજી મનસુખલાલ પણ રેવન્યુ કામગીરીમાં હોંશિયાર હતા અને સ્વતંત્રતાની ચળવળમાં પણ તેઓ અગ્રેસર હતા. લોલાડાથી જેસડા જતા વચ્ચે આવતું ખીજડીયાળી ગામ અવારનવાર દુષ્કાળની પરીસ્થિતિ વચ્ચે પણ આજે અડીખમ રહ્યું છે. મૂળ ઝાડીયાણાના વતની એવા લખીરામભાઈને પણ પ્રભુરામભાઈ, પુંજીરામભાઈ, ડાયાભાઈ, અંબારામભાઈ એમ ચાર ભાઈઓ હતા. કોઈપણ પ્રકારના દુરાગ્રહ વગર જીવતાં પશીમાને કૃષ્ણભક્તિ વધારે વહાલી હતી અને ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?’ તેમજ ‘સમય મારો સાચવી રાખજે વ્હાલા’ એ ભજનો ખુબ જ પ્રિય હતાં. વાંચન-ભણતર ઓછું ધરાવતાં પશીમાનો વ્યવહાર અને ગણતર ખુબ જ ઉંચાં હતાં.
પશીમાએ ચાર ધામ, દ્વારકા, દક્ષિણ ભારત, રામેશ્વર સહિત અનેક તીર્થધામોની પણ યાત્રા કરી હતી.ખીજડીયાળી ગામમાંથી રાત્રે કોઈ વટેમાર્ગુ પસાર થાય અને કદાચ ભોજન કે રાત્રિરોકાણની જરૂર પડે તો પણ લખીરામભાઈ અને પશીમા તેની સેવા કરતાં. માત્ર અને માત્ર પોતાની જ પ્રવૃત્તિમાં રસ ધરાવતાં પશીમા નવરાશના સમયે પ્રભુભજન કરી લેતાં અને કોઈકને ઉપયોગી થવાનું જ વિચારતાં. આજથી ૯૦ વર્ષ પહેલાં તો ગામડાઓમાં ગાડા વ્યવહાર હતો અને રસ્તાઓની પણ પૂરતી સુવિધા નહોતી તેવા દિવસોમાં આઝાદી પહેલાં પશીમા અને તેમના પરિવારે ગામડામાં ભજનોના માધ્યમથી મજબુત આધ્યાત્મિક વાતાવરણ ઉભું કર્યું હતું. આવા જૂના સમયે પણ ગામડામાં એટલે કે ખીજડીયાળીમાં નાનામોટા ધાર્મિક તહેવારો સારી રીતે ઉજવાય તે માટે પશીમા આગળ થઈને પ્રયત્નો કરતાં. પારિવારિક એકતા માટે પશીમાએ આર્થિક તેમજ સામાજીક રીતે ખુબ જ સંઘર્ષ કરીને પરિવારને ખુબ જ સારી રીતે સાચવ્યો. ખીજડીયાળી પરિવારની એકતા, આધ્યાત્મિકતા, વિચારો અને સત્કાર્યોની શૈલી સમગ્ર વઢિયાર પંથકમાં પ્રખ્યાત છે.આ પરિવારની ભગવાનભાઈ તેમજ પુષ્પાબેનની લાકડવાયી અને સંસ્કારી ચિરંજીવી દિકરી શ્રુતિ અમારા પરિવારની પુત્રવધુ છે
એટલે પણ આ પરિવાર સાથે ઘનિષ્ઠ નાતો છે. રામાયણ અને ગીતાને જીવનમાં વિશેષ મહત્વ આપનાર પશીમાએ અંતિમ સંસ્કાર વખતે પણ સિદ્ધપુર ના લઈ જવા માટે તેમજ ખોટી દોડધામ ના કરવા માટે સૌને સુચન આપેલ કે હું જ્યાં હોઉં ત્યાં જ મારા અંતિમ સંસ્કાર કરજાે. તેમના સમગ્ર પરિવારે એટલે કે દીકરાઓ, પુત્રવધુઓ, પૌત્રો સહિત સમગ્ર પરિવારે પૂજય પશીમાની શકય તેટલી વધુ સેવા, સુશ્રુષા, સરભરા કરી અને અંતિમ વેળાએ પણ સમગ્ર પરિવાર કુદરતી રીતે જ એકત્ર થયેલ તેવા સંજાેગોમાં જ પશીમાએ વિદાય લીધી.૧૦૮ વર્ષનંુ અદ્‌ભુત અને પ્રેરણાદાયી જીવન જીવીને આ જગતને અલવિદા કરનાર પૂજ્ય પશીમાને આદર અને અદબપૂર્વક વંદન અને સમગ્ર ખીજડીયાળી પરિવારને પણ સારા વિચારો અને સુચારૂ એકતા માટે ધન્યવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.