ધર્મના આધારે પ્રેરણાદાયી જીંદગી જીવી મીઠી સુવાસ મૂકી અલવિદા થયેલ કાંટના આગેવાન ઓધારજી ઠાકોર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સારા સ્વભાવ, ધર્મકાર્યો, સત્કાર્યો અને પુણ્યકાર્યો થકી કેવડી મોટી મિલકત ઉભી થાય છે તે જાેવું હોય તો કાંટના ઓધારજી ઠાકોરના જીવનમાંથી જાણી શકાય. કોઈ વિદ્યાર્થીને પી.એચ.ડી.થવું હોય તો પણ ઓધારજી ઠાકોરના જીવન ઉપર થઈ શકાય તેવું અદ્‌ભૂત, પ્રેમાળ, પરોપકારલક્ષી, ધર્મલક્ષી જીવન જીવીને તા.પ-ર-ર૦ર૦ બુધવારે ઓધારજી ઠાકોર આપણા સૌ વચ્ચેથી અલવિદા થઈ પ્રભુને પ્યારા થયા. પિતા વીરચંદજી આંબાજી ઠાકોર અને માતા ગલબીબેનના પરિવારમાં તા.૧-૬-૧૯પ૭ ના રોજ ડીસા તાલુકાના હૃદયસમા ધાર્મિક ગામ કાંટ ખાતે જન્મેલા ઓધારજી ઠાકોર પ્રભુના દૂત બનીને આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને મૃત્યુ સુધી પણ પરમાત્માના જ પનોતા પુત્ર બનીને જીવન જીવ્યા.
હઠાજી ઠાકોર, કપુરજી ઠાકોર, ગંભીરજી ઠાકોર, કેશાબેન, પારૂબેન, સદાબેન, રૂપાબેન એમ સાત ભાઈ -બહેનોના આઠમા ભાઈ ઓધારજી ઠાકોર તેમનાં સત્કાર્યો થકી મહામાનવ બનીને જીવ્યા અને વંદનીય તેમજ અભિનંદનીય સત્કાર્યો થકી સૌના પ્યારા બન્યા. અનેક ધાર્મિક સંસ્થાઓ, વૈપારીક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા ઓધારજી ઠાકોર આખી જીંદગી એક પણ ચૂંટણી લડયા નહીં કે કોઈ હોદો ભોગવ્યો નહીં; છતાં પણ સમગ્ર કાંટ ગામ, ઠાકોર સમાજ કે ડીસા તાલુકામાં તેમની એક આગવી સુવાસ હતી.તેમના મીઠામધુરા સ્વભાવને લીધે તેઓ સરપંચોના ય સરપંચ અને ધારાસભ્યોનાય ધારાસભ્ય હતા. ડીસા તાલુકામાં પંચાયત કે ધારાસભ્યની ચૂંટણી લડનાર દરેક વ્યક્તિને ફરજીયાત ઓધારજી ઠાકોરની જરૂર પડે જ એવું તેમનું બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ હતું. વિદેશમાં દુબઈ અને ભારતનાં તમામ રાજયોના પ્રવાસ તેમજ યાત્રા કરનાર ઓધારજી ઠાકોર પૂજ્ય દોલતરામજી મહારાજના આજીવન સેવક અને ચાહક હતા.માત્ર ધો.પ સુધીનો જ અભ્યાસ ધરાવતા ઓધારજી ઠાકોરનું ગણતર અને જીવન ચણતર ખુબ જ અનુમોદનીય અને પ્રશંસીય હતું. રાજકીય હોદ્દેદારો, સરકારી અમલદારો, જાહેર જીવનના મહાનુભાવો, સહકારી આગેવાનો, સંતો, સજ્જનો, તમામ જ્ઞાતિઓના આગેવાનો એમ સૌ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા ઓધારજી ઠાકોરને એક પુત્ર ભરતભાઈ (મો. નં.૮૩ર૦૪ર૬૦૮૦) તેમજ ત્રણ દિકરીઓ પીલાબેન, ઝબુબેન તેમજ સોનલબેન પણ ખુબ જ ધાર્મિક અને પરોપકારી છે. ઓધારજી ઠાકોરનાં તમામ સત્કાર્યોમાં તેમનાં ધર્મપત્ની હંસાબેન હરહંમેશાં ખડેપગે હાજર રહી સહકાર આપતાં કાંટના સ્મશાનગૃહને અદ્યતન બનાવવામાં અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં પણ ઓધારજીનો મોટો સહયોગ હતો. અંદાજે ૩૦ વીઘા ખેતીલાયક જમીન ધરાવતા ઓધારજી ઠાકોર આધુનિક ખેતીના શોખીન હતા અને વિશેષ કરીને બટાકા, મગફળી, બાજરી જેવા પાકોની ખેતીમાં વધારે રસ લેતા. જૂનાગઢના પૂજય દોલતરામજી મહારાજના આશ્રમ દર્શને વારંવાર જતા ઓધારજીને આંગણે અનેક સંતોની પધરામણી પણ થતી અને તેઓ સૌને પ્રેમાનંદથી આવકારતા અને પૂરતી સેવાપૂજા કરી આશીર્વાદ લેતા. પોતે જાતે ખેતી, ઘરકામ, બગીચાકામ, વૃક્ષારોપણ તો કરતા જ અને જરૂર પડયે જાતે ટ્રેકટર ચલાવી ઉત્તમ ખેતી કરતા. તેમનું ધાર્મિક વાંચન ખુબ જ હતું પણ સૌથી વધારે ભગવદગીતા વાંચતા અને તેમની સાથે પોતાની ગાડીમાં પણ રાખતા.
કાંટ ગામના ભગાભાઈ પટેલ, કલ્યાણભાઈ મિસ્ત્રી, વર્ધાજી મોટાજી માળી, ચમનજી ઠાકોર જેવા એમના સાથી મિત્રો સાથે તેઓ હંમેશાં કાંટ ગામના વિકાસની જ ચર્ચા કરતા અને તે પ્રમાણે સૌને માર્ગદર્શન પણ આપતા. સદાય હસમુખા, આનંદી, કર્મઠ, નિયમિત પરોપકારલક્ષી, પુણ્યશાળી, ભાગ્યશાળી એવા ઓધારજી ઠાકોર એક કલાક પણ કયારેય બિમાર રહ્યા નથી અને જયારે આ દુનિયા છોડી ત્યારે પણ સંપૂર્ણ તંદુરસ્ત જ હતા.એમની સ્મશાન યાત્રામાં હજારો માણસો જાેડાયા હતા અને તેમના બેસણામાં તો અસંખ્ય લોકોએ હાજરી આપી તેમની ગુણવંદના કરી હતી. ભજનો ગાવાં, ગવરાવવાં, સહકાર આપવો અને સંત મેળાવડા થકી નિજાનંદી જીવવું એ જ તેમનું પરમ લક્ષ્ય હતું. ઓધારજીની વિદાયથી કાંટ ગામે તો એક પનોતો પુત્ર ગુમાવ્યો જ પણ સમગ્ર ડીસા તાલુકો અને બનાસકાંઠા જિલ્લાએ પણ એક સંનિષ્ઠ સેવક ગુમાવ્યાની લાગણી પ્રસરી છે.નખશીખ પરોપકારી, સેવાભાવી, હરહંમેશાં બીજાના ભલા માટેનું જ વિચારનાર એવા ઓધારજી ઠાકોરનાં સત્કાર્યો, ધર્મકાર્યો, પુણ્યકાર્યોને કોટિ કોટિ વંદન,અભિનંદન, પાયલાગણ અને આ પરોપકારી જીવને પરમપિતા પરમાત્મા ચિર શાંતિ આપે તે માટે પણ પ્રાર્થનાસહ દિવ્ય શ્રદ્ધાંજલિ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.