જ્ઞાન,ભક્તિ અને કર્મના સહારે પ્રેરક જીવન જીવતા ગાંધીનગરના દિનેશભાઈ કે.ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર એક વર્ગ એવો છે કે જે સતત સત્તા,સંપત્તિ,સન્માન, સંગ્રહ પાછળ દોડયા કરે છે અને જીવન પૂર્ણ કરી નાખે છે.બીજી બાજુ આ પૃથ્વી ઉપર એવા કેટલાય પરગજુ, પરોપકારી, આધ્યાત્મિક, સેવાભાવી, સમજુ સજ્જનો પણ જન્મે છે જેઓ નિજાનંદ અને પરકાજે પોતાનું જીવન પૂર્ણ કરે છે. તા. ૧૩-૩-૧૯૬૮ ના રોજ પિતા કાનજીભાઈ ભવાનભાઈ ઠક્કર (ગંધા)અને માતા રેવાબેનના પરિવારમાં વાગડ વિસ્તારના સામખિયાળી ખાતે જન્મેલા દિનેશભાઈ ઠક્કર પણ પરોપકારી જીવન જીવતા સર્વોત્તમ ગાયત્રી ઉપાસક છે.ધો.૧ થી ૭ સામખિયાળી ખાતે અભ્યાસ કરી ધો.૮ અને ૯ સુધી રાપર છાત્રાલયમાં ભણ્યા અને રહ્યા.જગજીવનભાઈ, શાંતિલાલ, ગોપાળજીભાઈ, હંસરાજભાઈ, ચમનભાઈ, દિલીપભાઈ અને સાતમા ભાઈ દિનેશભાઈ એમ સૌનું પરિવાર સારી રીતે સેટ થયેલ છે.બાળકોના અભ્યાસ માટે છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા દિનેશભાઈએ ગાયત્રીમાતાને કેન્દ્રમાં રાખીને અનેક સેવાકાર્યો શરૂ કર્યા છે.
કચ્છમાં શરૂઆતમાં સામખિયાળી ખાતે નાનકડો પાનનો ગલ્લો,બીલ્ડીંગ મટીરીયલ્સનો વ્યવસાય, ટીમ્બર સપ્લાય (આડેસર),ગાંધીનગર ખાતે લાલ ઈંટનો વ્યવસાય એ બધું તો ખરૂં જ; પણ નાનપણથી જ તેમનો જીવ પ્રભુકાર્ય સાથે જાેડાયેલો છે.પિતાજી પણ રામકથા વાંચતા અને સૌને સંભળાવતા એ સંસ્કાર દિનેશભાઈએ સાચવ્યા.આમ તો વાગડ પ્રદેશ હાડમારીઓથી ભરેલો હતો અને તેથી જ આ પ્રદેશના અનેક લોહાણા અગ્રણીઓ છેક મુંબઈથી લઈને વિદેશોમાં પણ વસ્યા છે.વાગડ પ્રદેશમાં વારંવાર દુષ્કાળને લીધે પશુધનને પણ તકલીફ પડતી એટલે દિનેશભાઈ ભાભર-ગૌશાળામાં ગાયો મોકલતા અને એ રીતે જીવદયાનું પણ કામ કરતા. તેમણે ૧પ૦ જેટલી શાળાઓમાં વ્યસનમુક્તિ તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરક વકતવ્યો આપેલ છે.ગામડાઓમાં તેમણે વ્યસનમુક્તિનું મોટું કામ કર્યું છે.૧૯૯૭-૯૮ માં રાજકોટ ખાતે અશ્વમેઘ યજ્ઞ હતો ત્યારથી તેઓ ગાયત્રી પરિવાર સાથે જાેડાયા અને આજે તો પૂર્ણ સમર્પર્ણ ભાવથી કામે લાગ્યા છે. પૂજ્ય ડોંગરેજી દાદાનું ભાગવત, શ્રીશ્રીરામ શર્મા આચાર્યજી લિખિત યુગ સાહિત્ય, જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન વાંચવામાં એમને મજા આવી છે.વાંચન એમનો મહત્વનો શોખ છે. તેમને અભિનંદન આપવા તેમને મો.નં. ૯૯૭૪૮૮૮૩૯૮ છે.તેઓ રાજય અને દેશમાં અનેક સ્થળોએ ફર્યા છે પણ હરિદ્વારનું શાંતિકુંજ, દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વાર અને બાડાનું વિપસ્યના ધ્યાન કેન્દ્ર તેમને ખુબ જ ગમેલ છે.પૂજ્ય માતાપિતાને જ ગુરૂદેવ અને માર્ગદર્શક માનતા દિનેશભાઈનું જીવન સંતોષી છે. સાંતલપુરના અંબારામ કાળીદાસ રતાણીની સુપુત્રી જયાબેન સાથે લગ્નગ્રંથિથી જાેડાયેલ દિનેશભાઈના સત્કાર્યોથી દિકરીઓ ખુશાલી (બી.એ.) દિવ્યા (બી.એ.), દિકરો ઓમ (સીવીલ એન્જીનીયર) તેમજ જમાઈઓ સાવનકુમાર પ્રવિણભાઈ કંથેરા (પાલનપુર), મિતકુમાર કમલેશભાઈ ઠક્કર (પાટણ) સહિતનો સમગ્ર પરિવાર રાજીપો અનુભવે છે અને સહયોગી બને છે.સાઉન્ડ સાથેનું તેમનું ભક્તિ સંગીત સાંભળવાનો પણ એક અનેરો લ્હાવો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.