ઈશ્વરકૃપાથી ઈશ્વરીય સત્કાર્યો કરીને અલવિદા થયેલ તેરવાડા-કામલપુર-રાધનપુરના ઈશ્વરભાઈ ઠક્કર/ગોકલાણી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર પરમપિતા પરમાત્મા એવા અનેક માણસોને મોકલે છે કે જેના થકી પરમાત્મા તેનું કાર્ય કરાવી શકે. દેશને આઝાદી અપાવવા ખાસ કિસ્સામાં રામભકત મહાત્મા ગાંધીજી અને અનેક વીરજવાનો આવ્યા. સમગ્ર માનવ સમાજને સાચા અર્થમાં બેઠો કરવા માટે પૂજય પાંડુરંંગ દાદા અનેક રાષ્ટ્રહીતના પ્રકલ્પો લઈને આવ્યા.ભકિતમાં એક વિશિષ્ઠ પ્રકારની શકિત છે અને તેની ઉર્જા થકી અનેક લોકોએ લાંબા સમય સુધી કોઈને કોઈ પ્રકારે સેવા કરીને રાષ્ટ્રનું ભલુ કર્યું છે.સંવત ૧૯૯૩ ના પોષ સુદ-૯ ના ગુરૂવારે તા.ર૧-૧-૧૯૩૭ ના રોજ પિતા કેશવરામ ત્રિભોવનદાસ ગોકલાણી અને માતા મેનાબેનના પરિવારમાં તેરવાડા ખાતે જન્મેલા ઈશ્વરભાઈ ગોકલાણી હનુમાનજીના પરમ ઉપાસક હતા.તેરવાડા કારભારી પરીવારના કેશુરામબાપા પરિવારમાં રસીકભાઈ, હરગોવનભાઈ, ઈશ્વરભાઈ, ગણપતભાઈ, અમૃતભાઈ અને શંકુબહેન એમ તમામનો પરિવાર આજે તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે.ઈશ્વરભાઈનાં લગ્ન કુણસેલાવાળા દલપતરામ ભવાનભાઈ અખાણીની દીકરી કમળાબેન સાથે થયેલાં. કામલપુરને કર્મભૂમિ બનાવીને જીવેલા ઈશ્વરકાકા ૪પ વર્ષ ત્યાં રહ્યા અને રામાયણ વાંચી, ભજન સત્સંગ કરી, હનુમાનજીની ઉચ્ચ કક્ષાની સાધના કરી.ગૌસેવા એ એમનો જીવનમંત્ર હતો.મા સરસ્વતી સાક્ષાત એમની જીભ ઉપર બિરાજમાન હોઈ નાના છોકરાથી માંડીને મોટી ઉંમરના વડીલો સહીત સૌને તેઓ ભાવ, લાગણી, પ્રેમ,આદરપૂર્વક બોલાવતા અને વર્તતા. તેમના સુપુત્રો નરસીંહરામ, અરવિંદભાઈ તેમજ સુપુત્રીઓ શારદાબેન, હંસાબેન,ઈંદુબેન, અલકાબેન સહિત સૌનો પરિવાર પણ સારી રીતે સેટ થયેલ છે. પ્રાપ્ય એ પર્યાપ્ત છે’ એમ માનીને પરમાત્માને કયારેય ફરિયાદ ના કરનાર ઈશ્વરકાકાની આર્થિક પરિસ્થિતિ મધ્યમ કહી શકાય પણ એમનું મનોબળ હનુમાનજી જેવું મક્કમ હતું. કામલપુરમાં હનુમાનજી મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધેલ ત્યારે પણ ફકત ધોતી અને ખેસ પહેરીને મંદિરની એ જગ્યા ઉપર જ રહ્યા અને પોતાને ઘેર પણ ના આવ્યા. જ્યાં સુધી મંદિર પૂર્ણ થાય નહીં ત્યાં સુધી ઘરમાં પ્રવેશ કરવો નહીં તેવી બાધાને લીધે તેમનું ભોજન પણ ત્યાં જતું અને મંદિરે જ તેઓ આરામ પણ કરતા. આ સમય દરમ્યાન તેમના પિતાજી કેશુરામબાપાનું અવસાન થયું અને તેમના ભત્રીજા શાંતીલાલ લેવા ગયા તો પણ તેઓ અડગ રહ્યા, આવ્યા નહીં અને મંદિર નિર્માણકાર્ય ચાલુ રાખ્યું.છેલ્લા ૧પ વર્ષથી તેઓ રાધનપુર મુકામે હતા અને સંવત ર૦૭૬ ના અધિક આસો વદ છઠ્ઠને ગુરૂવાર તા.૮-૧૦-ર૦ર૦ ના રોજ અતિ પવિત્ર પરસોત્તમ માસમાં જ પરમપિતા પરમાત્માની ગોદમાં સમાઈ ગયા.
પથમેડા, ટેટોડા,ગૌશાળા માટે સારી એવી રકમનો ફાળો કરીને તેમણે ઉત્તમ ગૌસેવા કરી હતી.મૃત્યુના છેલ્લા અઠવાડીયામાં જાણે કે સંથારો કર્યો હોય તેમ ભોજન,દવા, પાણી બંધ કર્યું અને તેમના અંતિમ સંસ્કારની વિધિ માટેનાં કપડાં તેમજ સામાન પણ તૈયાર કરી દીધો. ભગતબાપાના હુલામણા નામે ઓળખાતા ઈશ્વરકાકા નરસિંહ મહેતાનું જાણે કે બીજું રૂપ જ હોય તે રીતે જીવ્યા.૮૪વર્ષની ઉંમરે પણ પરિશ્રમ, સાદો ખોરાક અને નિર્મળ જીવન જીવતા ઈશ્વરકાકાના આ બધા સંસ્કારો તેમના પિતાજી કેશુરામબાપાના જીવનમાંથી જ વારસામાં મળ્યા હતા.તેમના પિતાજી કેશુરામબાપા પણ ૧૦૦ વર્ષ જીવ્યા હતા અને આખી જીંદગી કેડ બાંધેલી રાખતા.૯૧ વર્ષની ઉંમરે પણ તેઓ ઘોડી ઉપર ચડી ખેતરે જતા. કેશુરામબાપાને પાછલી ઉંમરે ફેકચર થયું અને છેલ્લી જીંદગી તેમના દીકરા અમૃતભાઈને ત્યાં રહી પસાર કરી.તેઓ ૪૦ વીઘા જમીનના ખાતેદાર હતા અને આયુર્વેદીક સાદું જીવન જીવતા હતા.કાળી પાઘડી, મોટી મુંછો, કેડે ખેસ, સ્પષ્ટ વકતા, પશુપક્ષીની સેવા, ઘોડેસવારી, ખડતલ શરીર, મહેનતુ, નિર્વ્યસની જીવન એવાં અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા કેશુરામબાપા સમગ્ર તેરવાડા પંથક અને કારભારી પરિવારમાં આગવી ચાહના ધરાવતા હતા અને એ પરિવારના જ ઈશ્વરકાકાએ પણ પશુ-પક્ષીઓની સેવા કરી અલગારી જીવન વ્યતીત કર્યું.તેરવાડા કારભારી ગોકલાણી પરિવારની એક આગવી ઈમેજ છે અને એ વિશિષ્ઠ ઈમેજને જાળવવામાં ઈશ્વરકાકાની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે.પાઘડી, મૂંછ,ઉંચાઈ,ઘોડેસવારી, ખડતલ બાંધો,પશુપાલન, સાહસિકતા, શુરવીરતા,ધામિર્કતા,નેતૃત્વ અને ખેતી એ તેરવાડા કારભારી ગોકલાણી પરિવારની આગવી નિશાનીઓ છે.વેપારમાં પણ સંપૂર્ણ સત્યતા સાથે જીવતા ઈશ્વરકાકા કોઈને છેતરવા એના કરતાં છેતરાઈ જવામાં જ મોજ માણતા હતા. આ પૃથ્વી ઉપરના કોઈપણ જીવને મન,વચન અને કર્મથી સહેજ પણ દુઃખ ના પહોંચાડવું એવા સિદ્ધાંતથી જીવતા ઈશ્વરકાકા પરિવાર, સમાજ કે ગામના યુવાનોની પ્રગતિ જાેઈને રાજી થતા અને સાચા દિલથી અઢળક આશીર્વાદ આપતા. પૂજય ઈશ્વરકાકાનો આત્મા જ્યાં પણ હોય ત્યાં ચિરશાંતિ પામે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે તેમનાં સત્કાર્યો, ભકિત અને જીવનકર્મને કોટિ કોટિ વંદન સાથે હાદિર્ક શ્રદ્ધાંજલી…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.