ભક્તિની શક્તિ થકી પ્રેરણાદાયી જીવન જીવી અલવિદા થયેલ થરાના ઈશ્વરભાઈ ઉકાભાઈ પ્રજાપતિ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જીંદગી એ અણમોલ મૂડી છે.આ જીંદગીમાં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે છતાં અનેક માણસો જીંદગીને નિજાનંદથી જીવવાને બદલે સતત કંઈકને કંઈક બિનજરૂરી ભેગું કરવામાં વેડફી નાખે છે. તાજેતરમાં જ આ ફાની દુનિયા છોડીને પરમાત્માના પ્યારા થયેલા થરાના ઈશ્વરભાઈ ઉકાભાઈ પ્રજાપતિ એક પ્રેરણાદાયી જીંદગી જીવીને વિદાય થયા છે. ખુબ જ નિજાનંદી, પરમાનંદી, પ્રેમાળ, પરગજુ, હસમુખા, લાગણીશીલ અને ભક્તિની શક્તિથી જ મજબુત મનોબળ ધરાવતા ઈશ્વરભાઈની તા.૧૮-૯-ર૦ર૦ ના દિને થયેલ વિદાયથી સમગ્ર થરા નગરને આઘાત લાગ્યો છે. પિતા ઉકાભાઈ ધનાભાઈ પ્રજાપતિ અને માતા દલસીબેનના પરિવારમાં થરા ખાતે જ જન્મેલા ઈશ્વરભાઈ પ્રજાપતિ સાચા અર્થમાં એક સમર્પિત સમાજસેવક હતા અને ૭૮ વર્ષનું મહેનતુ જીવન જીવી વિદાય થયા છે.
થરા ગામની મધ્યમાં આવેલ બહુચર માતાજીનું મંદિર સમગ્ર થરા-તાણા ઉપરાંત આજુબાજુના વિસ્તારની પ્રજા માટે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે.થરા બહુચર માતાજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીમાં થતો ભવાઈવેશનો કાર્યક્રમ જાેવો એ પણ એક જીવનનો લ્હાવો છે. ઈશ્વરભાઈ પ્રજાપતિ આ ભવાઈમંડળ સાથે છેલ્લા પ૧ વર્ષથી જાેડાયેલા હતા. આ ભવાઈમંડળના મોટા ભાગના જુના જાેગીઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લઈ ચૂકયા છે.જશવંતભાઈ સોની એ તેમની હયાતીમાં બહુચર માતા મંદિરની ખુબ જ સેવા કરી અને અત્યારે તેમનું સમગ્ર પરિવાર અતિશય સમર્પિત ભાવથી થરાના મા બહુચર મંદિરની દેખરેખ રાખે છે જેમાં અનેક ભકતો વિશેષ સહકાર પણ આપે છે.ભવાઈ મંડળ સાથે સંકળાયેલા જેસલબા, ત્રિભોવનભાઈ નાયી, બાલાજી ઠાકોર, કરમશીભાઈ ઠક્કર, જશુભાઈ જેવા અનેક મુરબ્બીઓ આજે આ પૃથ્વી ઉપર નથી પરંતુ તેમનું સ્મરણ ચિરંજીવી બની ગયું છે.ઈશ્વરભાઈ પણ ભક્તિની શક્તિ થકી તેમનું સ્મરણ ચિરંજીવી બનાવીને જ ગયા છે.ખુબ વર્ષો પહેલાં ઈશ્વરભાઈ પ્રજાપતિ તાણા મંડળીમાં સેવા બજાવતા હતા અને એ પછી થરાનો ખુબ જ જુનો ધમધમતો અને પરિચિત વિસ્તાર એવા ઝાપટપરામાં પાનનો ગલ્લો કર્યો અને એ પછી ચાની કીટલી પણ કરી. ઈશ્વરભાઈ પ્રજાપતિના હાથનું પાન ખાવું એ પણ જીવનનો લ્હાવો હતો.એમની ચાની કીટલીના પણ અનેક બંધાણી હતા.આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો ઈશ્વરભાઈની ચા પીવા પ્રતિદિન સ્પેશ્યલ આવતા હતા.થરા ભવાઈ મંડળના પાયાના પથ્થર સમાન ઈશ્વરભાઈ પ્રજાપતિ કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજનું મોંઘેરૂં ઘરેણું હતા. દિયોદર, કાંકરેજ તાલુકાના ૮૦ જેટલા ગામોમાં કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે અને આ સમાજની પ્રગતિ માટે ઈશ્વરભાઈએ ઘણા પ્રયત્નો કર્યા હતા. થરાના રામજી મંદિર,વાળીનાથ મહાદેવ મંદિર, બહુચર માતાજી મંદિર,જલારામ મંદિર એમ દરેક સ્થળે એમની સેવા મળતી હતી.બહુચર માઈ મંડળ થરા અને બહુચર ભવાઈ મંડળ થરાના તેઓ આજીવન સમર્પિત ટેકેદાર-કાર્યકર રહ્યા અને વિશેષ કામગીરી પણ કરી.
માતાજીની અસીમકૃપા અને ભક્તિના ફળ સ્વરૂપે તેમના બેઉ દીકરા પણ આજે સારી જગ્યાએ સેટ થયેલા છે.તેમનો એક દિકરો દિનેશભાઈ (મો. ૯૪ર૮૭૩૦૩૦૧) અમદાવાદની પ્રખ્યાત એમ.જી.સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રી વિષયમાં પ્રોફેસર છે.બીજાે દિકરો હરેશભાઈ (મો.૯૪ર૮૮૪૬૩૮ર) માનપુરા (શિહોરી) ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપે છે.તેમની દિકરીઓ સંગીતાબેન (કડી) ગીતાબેન (નાણોટા),રમીલાબેન (અનાવાડા) એમ સૌ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે. થરામાં જલારામ મંદિર બનતું હતું ત્યારે સમગ્ર પ્રજાપતિ સમાજના અઢળક આશીર્વાદ તો હતા જ પરંતુ ઈશ્વરભાઈ તો રોજેરોજ રાજીપો વ્યકત કરીને જલારામ મંદિરની સમગ્ર ટીમને પ્રોત્સાહીત કરતા હતા. ઈશ્વરભાઈનાં ધર્મપત્ની રઈબેન પણ તેમના પુણ્ય કાર્યોમાં સહયોગી અને સાક્ષી રહેતાં હતાં. સમય હંમેશાં સમયનું કામ કરે જ છે. જેનો જન્મ એનું મૃત્યુ નક્કી જ છે પરંતુ જે મહાનુભાવો પરોપકાર કે પુણ્ય કાર્ય અર્થે જીવે છે એને લોકો હરહંમેશાં યાદ કરે છે.ઈશ્વરભાઈ પ્રજાપતિ દરેક સમાજના માણસો સાથે હળીમળીને રહેવાવાળા અતિશય હસમુખા અને આનંદી માણસ હતા.બહુચર ભવાઈ મંડળ-થરાના ફરશુભાઈ સહિત અનેક મહાનુભાવોએ પણ
ઈશ્વરભાઈની વિદાયથી આઘાત અનુભવ્યો છે. થરા ખુબ જ ધાર્મિક, પુણ્યશાળી, સંસ્કારી, ભાગ્યશાળી, પરોપકારી, સેવાભાવી નગરી છે અને તે નગરમાંથી ઈશ્વરભાઈની થયેલ વિદાય ચોક્કસ આઘાતજનક છે છતાં પણ ઈશ્વરભાઈનાં સત્કાર્યો અને ધર્મકાર્યો થકી સૌ તેમને યાદ કરતા રહેશે.આવા પુણ્યશાળી વ્યક્તિને બંધુ પરિવાર પણ શ્રદ્ધાંજલી અર્પીને નતમસ્તકે વંદન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.