અનેક દીકરીઓના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતાં જામનગર લોહાણા કન્યા છાત્રાલયનાં ગૃહમાતા ભાવનાબેન રવિન્દ્રભાઈ પોપટ/ઠકકર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કન્યા છાત્રાલય કે કન્યાઓને સાચવતી કોઈપણ સંસ્થામાં ગૃહમાતાની જવાબદારી સગી માતા કરતાંય વિશેષ બની જાય છે. પિતા રવિન્દ્રભાઈ છગનલાલ પોપટ/ઠકકર અને માતા શારદાબેનના પરિવારમાં તારીખ ૨૮-૫-૧૯૮૩ ના રોજ જામનગર ખાતે જન્મેલ ભાવનાબેન પોપટે અનેક દીકરીઓના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી ઘણા બધા માબાપના આશીર્વાદ લીધેલ છે.

જામનગરની સર્વોદય સ્કૂલમાં ધોરણ ૧ થી ૭ નો અભ્યાસ કર્યા બાદ ધોરણ ૮ થી ૧૨ નો અભ્યાસ તેમણે રતનબાઈ કન્યા વિધાલયમાં કર્યો હતો. જામનગરની એ.કે.દોશી મહિલા કોલેજ ખાતેથી બી.એ. કર્યા બાદ હિંદી વિષય સાથે તેમણે એમ.એ.કર્યું હતું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ ગોપાલધામ ખાતેની લલ્લુભાઈ શેઠ કોલેજમાંથી તેમણે બી.એડ.કર્યું હતું. વર્ષ ૨૦૦૩ માં દિગ્વિજય પ્લોટ સ્કૂલ જામનગર ખાતેથી તેમણે શિક્ષિકા તરીકેની સેવાનો પ્રારંભ કર્યો હતો.૨૦૦૮ થી તેઓ સર્વોદય સ્કૂલમાં જોડાયાં હતાં. જોગાનુજોગ આ સ્કૂલમાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું.

૨૦૦૯ થી ૨૦૧૦ સુધી એટલે કે દોઢ વર્ષ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ વિધાલયમાં તેમણે સર્વિસ કરી હતી. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તાહેરિયા મદ્રેસા હાઈસ્કૂલ જામનગર ખાતે ધોરણ ૯ થી ૧૨ ની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સર્વિસ કરી હતી. ૨૦૧૬ થી તેઓ સ્વ હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય જામનગર ખાતે ગૃહમાતા તરીકેની ખૂબ જ મહત્વની જવાબદારી સાથે અનેક દીકરીઓના જીવન ઘડતર માટે પ્રેરણાદાયી કામગીરી કરી રહેલ છે.

છેલ્લા સાત વર્ષમાં તેમના માર્ગદર્શન હેઠળ જામનગરના લોહાણા કન્યા છાત્રાલયમાં અંદાજે ૩૫૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરીને તેમનું જીવન ધન્ય બનાવી ચૂકી છે. આ છાત્રાલયમાં રહીને ભણેલી દીકરીઓમાંથી કેટલીક સી.એ., એમ.બી.એ, એમ.સી.એ., નર્સિંગ જેવા કોર્સ કરીને સારી રીતે સેટ થઈ આર્થિક રીતે પગભર બનેલ છે. ૨૮-૩-૧૯૯૯ ના રોજ જામનગર લોહાણા કન્યા છાત્રાલયનું ખાતમૂહુર્ત-ભૂમિપૂજન થયા બાદ તારીખ ૨૬-૩-૨૦૦૦ ના રોજ તેનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ છાત્રાલયમાં ધોરણ ૯ થી કોલેજ કક્ષાની ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અન્ય વ્યવસાયિક કોર્સમાં અભ્યાસ કરતી તમામ લોહાણા દીકરીઓને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા સિવાય છાત્રાલયમાં રાખવામાં આવે છે.

છાત્રાલયના પ્રમુખ માનનીય વડીલ તેમજ સમાજ ગૌરવ એવા શ્રી દ્રારકાદાસભાઈ રાયચુરા, ઉપપ્રમુખ માનનીય શ્રી વજુભાઈ પાબારી, મંત્રી માનનીય શ્રી દામોદરભાઈ તન્ના, ખજાનચી માનનીય શ્રી ભરતભાઈ મોદી સહિત ટ્રસ્ટી મંડળના સૌ ટ્રસ્ટીઓ છાત્રાલયની દીકરીઓને સહેજ પણ તકલીફના પડે તે માટેની સંપૂર્ણ તકેદારી રાખીને ગૃહમાતા ભાવનાબેન પોપટ સાથે નિરંતર વિચારવિમર્શ કરતા રહે છે. ખૂબ જ કુશળ, માયાળુ, શિસ્તના આગ્રહી, સમયપાલનકર્તા, દીકરીઓની સંપૂર્ણ તકેદારી રાખનાર ગૃહમાતા માનનીય ભાવનાબેન પોપટને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૮૩૨૦૨૧૭૧૫૭ તેમજ ૯૪૨૬૬૬૮૭૩૨ છે.

ભાવનાબેન ગુજરાતમાં વિવિધ સ્થળોએ ફર્યા છે. આ બધામાં તેમને વીરપુર અને દ્રારિકા વધારે ગમે છે. વ્રજધામ, શીરડી, નાશિક, ર્ત્યંબકેર્શ્વર, હરિદ્વાર, ૠષિકેષ જેવાં અનેક સ્થળોએ તેઓ ફર્યાં છે. આ બધામાંથી તેમને હરિદ્વાર ગાયત્રી પરિવારનું શાંતિકુંજ ખૂબ જ ગમે છે. હજુ સુધી વિદેશ પ્રવાસનો સંયોગ શકય બન્યો નથી. ૨૦૧૯ માં ર્વિશ્વ લોહાણા મહાપરિષદની કારોબારી ગોંદિયા (મહારાષ્ટ્ર) ખાતે મળી હતી. આ સમયે સંસ્થાના તત્કાલિન પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટક,પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ લાખાણી તેમજ વરિષ્ઠ અગ્રણીઓના વરદહસ્તે બેસ્ટ લોહાણા કન્યા છાત્રાલયનો ગરિમાપૂર્ણ એવોર્ડ જામનગર લોહાણા કન્યા છાત્રાલયને મળ્યો હતો.

આ એવોર્ડ ગૃહમાતા ભાવનાબેન પોપટ તેમજ સૌ ટ્રસ્ટીઓએ સાથે મળીને સ્વિકાર્યો હતો.જામનગરની ન્યૂ ડિવાઈન તેમજ મહિલા મંડળ જેવી સંસ્થાઓ દ્રારા ભાવનાબેન પોપટનું તેમની સર્વોતમ કામગીરી બદલ અદકેરૂ સન્માન કરવામાં આવેલ છે. તેમણે અમદાવાદના પાલડી લોહાણા કન્યા છાત્રાલયની મુલાકાત લીધેલ છે. ઉતર ગુજરાત દેશી લોહાણા સમાજ અમદાવાદ દ્રારા થલતેજ ખાતે નિર્માણ પામેલ શ્રી જલારામ લોહાણા કન્યા છાત્રાલય તેમણે જોયું નથી

પરંતુ તેની અતિ સુવિધાયુકત વાતો સાંભળી ખૂબ જ પ્રભાવિત થયેલ છે. રાપર લોહાણા કન્યા છાત્રાલયની કામગીરીથી તેઓ અત્યંત રાજીપો અનુભવે છે. કન્યા કેળવણીની સાથે સાથે જ કુમાર કેળવણી પણ વધવી જ જોઈએ જેથી સમાજમાં સમતુલા જળવાઈ રહે તેવું તેઓ માને છે. જામનગર લોહાણા કન્યા છાત્રાલયની દીકરીઓ જી.પી.એસ.સી.તેમજ યુ.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપીને કલાસ વન અધિકારી થઈ વહીવટી સીસ્ટમનો એક ભાગ બને તે માટે તેઓ દીકરીઓ પાસે તૈયારી કરાવી માર્ગદર્શન આપતાં રહે છે.

ગૃહમાતા ભાવનાબેન પોપટ તેમજ લોહાણા કન્યા છાત્રાલયની બે હોનહાર દીકરીઓ પીંકલ બદિયાણી,ભૂમિ રાયચુરાએ સાથે મળીને એ-૪ સાઈઝના પેપરમાં ૧૯૭ જેટલા દેશોના રાષ્ટ્ર ધ્વજ દોરીને ગુજરાત બુક ઓફ રેકર્ડમાં નામ નોંધાવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ બદલ તેમનું ગૌરવપૂર્ણ સન્માન થયેલ છે. આ સંસ્થાની જ દીકરી કોમલ ભાયાણીએ નર્સિંગનો કોર્સ પૂર્ણ કરી ૨૦૨૨ થી જોબ શરૂ કરેલ છે.ગ્રીષ્મા તન્ના નામની દીકરીએ છાત્રાલયમાં રહી એમ.સી.એ.કરી જામનગરમાં જ જોબ શરૂ કરેલ છે.આ છાત્રાલયમાં રહીને ભણેલી ભૂતપૂર્વ છાત્રાઓ અવારનવાર સંસ્થામાં ભેગી થાય છે અને ભાવનાબેન પોપટની છાયામાં બેસી તેમનો સંસ્થા સાથેનો ભવ્ય ભૂતકાળ વાગોળી આનંદની લાગણી વ્યક્ત કરે છે.આવતા વર્ષે જામનગર લોહાણા કન્યા છાત્રાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ રજત જયંતી મહોત્સવ ઉજવવાની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

ભાવનાબેન પોપટના નેતૃત્વમાં લોહાણા કન્યા છાત્રાલયની દીકરીઓને મજબૂત સુરક્ષા કવચ પણ મળી રહે છે.સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ ભાવનાબેનની કામગીરીથી અત્યંત રાજીપો અનુભવે છે. કુમાર છાત્રાલયની દેખરેખ રાખવી પ્રમાણમાં સહેલી છે. પરંતુ કન્યા છાત્રાલયની દેખરેખ રાખવી કે માવજત કરવી એ થોડું અઘરૂં કામ છે. વર્તમાન આધુનિક સમયમાં અનેક પ્રકારની છૂટછાટો સાથે દીકરીઓ જીવવા માગતી હોય છે તેવા સંજોગોમાં તેમને પ્રેમ, શિસ્ત, કાયદો, ચારિર્ત્ય, કડકાઈ, નિયમિતતા,

તેમનું ઉજ્જવલ ભવિષ્ય,ભાવિ જવાબદારીઓ એ બધાં જ પાસાઓને કેન્દ્રમાં રાખીને દીકરીઓને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપતાં અને સાચવતાં ભાવનાબેન પોપટ વંદન અને અભિનંદનનાં સંપૂર્ણ અધિકારી છે.૨૦૧૯ માં ભાવનાબેન પોપટને ગોંદિયા (મહારાષ્ટ્ર) ખાતે રૂબરૂ મળવાનું બન્યું હતું અને તેમની પાસેથી જામનગર લોહાણા કન્યા છાત્રાલયની વિગતો જાણી હતી.વિવિધ છાત્રાલયોના ટ્રસ્ટીઓ,ગૃહપતિઓ,ગૃહમાતાઓ સહિત સૌ ખૂબ જ સારૂં કાર્ય કરે છે પણ સૌને વિશેષ જાણકારી મળે તેવા શુભ આશયથી ભાવનાબેન પોપટનો આજનો આ લેખ લખતાં હું પણ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

અનેક દીકરીઓના જીવન ઘડતરમાં અતિ મહત્વની ભૂમિકા ભજવનાર આદર્શ ગૃહમાતા એવાં ભાવનાબેન પોપટને તેમની સફળતામય કામગીરી બદલ કોટિ કોટિ વંદન..અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેઓ નિરામય દીર્ઘાયુ સાથે આવતા અનેક વર્ષો સુધી દીકરીઓની સરસ માવજત કરી છાત્રાલયની તેમજ લોહાણા સમાજની વિશિષ્ટ સેવા કરતાં જ રહે તેવી પ્રભુ પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ., બી.એસ.સી., એલ.એલ.બી.
ડીસા (બનાસકાંઠા)
મોબાઇલ ઃ ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.