સોશિયલ મીડિયામાં ચાલતી વાતોને નકારતા જિલ્લા કલેકટર: એકબાજુ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બીજીબાજુ સોશિયલ મીડિયામાં પાલનપુરની કલેકટર સહિતની કચેરીઓ જગાણા ખસેડવાની વાતો વહેતી થઈ છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટરે ભારપૂર્વક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાની કોઈ હિલચાલ ચાલી રહી નથી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં કલેકટર કચેરી, ડીએસપી કચેરી, જિલ્લા પંચાયત ભવન સહિતની મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે. જે સરકારીઓ કચેરીઓ પાલનપુર થી 7 કિલોમીટર દૂર જગાણા ખસેડવાની હિલચાલને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે ખુદ ભાજપ અગ્રણીઓ એ પણ મુખ્યમંત્રી ને પત્ર લખી શહેર મધ્યમાં આવેલી કચેરીઓનું સ્થળાંતર રોકવાની માંગ કરી હતી.
જોકે, જિલ્લાના વિભાજનના વિરોધ વચ્ચે પાલનપુરની કલેકટર કચેરી અન્યત્ર ખસેડાશે તો ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાની સાથે પાલનપુરની રોનક છીનવાઈ જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં કચેરીઓના સ્થળાંતરના હુકમના નકલો સાથેની વાતો વહેતી થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાની વાતને નકારી દીધી હતી. તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં કચેરી ખસેડવાની કોઈ હિલચાલ ચાલી રહી નથી.
ભાજપ અગ્રણીઓએ પણ કરી હતી રજુઆત: પાલનપુના જોરાવર પેલેસ સ્થિત કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓના સૂચિત સ્થળાંતર સામે ખુદ ભાજપ અગ્રણીઓ મેરુજી ધૂંખ, યુવા અગ્રણી રમેશ ભાઈ પટેલ અને પાલનપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશી(દાઢી)એ પણ જન હિતને ધ્યાને લઇ વિરોધ જતાવ્યો હતો. તેઓએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી લોક લાગણીને વાચા આપતા આ નિર્ણય મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.
વિવાદ પર કલેકટરે મૂક્યું પૂર્ણવિરામ: 14 તાલુકા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સ્થિત કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓ સંકડાશ અનુભવતી હતી. જેથી તેના સ્થળાંતરની કથિત હિલચાલ થઈ હતી. જોકે, હવે જિલ્લાનું વિભાજન થતા બનાસકાંઠા જિલ્લાને ફાળે માત્ર 6 તાલુકાઓ આવ્યા હોઇ ભવિષ્યમાં કચેરીઓમાં અરજદારો અને કર્મચારીઓનો ધસારો ઘટવાની સાથે કામનું ભારણ પણ ઘટશે. જેથી હવે કલેકટર સહિતની કચેરીઓના સ્થળાંતરની આવશ્યકતા રહેશે નહીં. આમ, જિલ્લા વિભાજન બાદ સરકાર કક્ષાએથી કલેકટર સહિતની કચેરીઓનું સ્થળાંતર મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોઈ શકે છે. જેથી આજે જિલ્લા સમહર્તા મિહિર પટેલે જિલ્લાના વડા તરીકે ભારપૂર્વક હાલના તબક્કે કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાની કોઈ હિલચાલ ચાલતી ન હોઈ સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓનું ખંડન કર્યું હતું. તેઓએ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી હુકમની નકલો જૂની હોવાનું પણ ઉમેર્યું હતું. આમ, જિલ્લા વિભાજન બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં કલેકટર કચેરી અન્યત્ર ખસેડવાના મુદ્દા પર જિલ્લા કલેકટરે સ્પષ્ટતા કરતા હાલ પૂરતા આ મુદ્દા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.