જિલ્લામાં કુલ ૭૭ સંવેદનશીલ મતદાન મથકો,હારીજ તાલુકા પંચાયતની ૧૨ – સાંકરા બેઠક આદિજાતિ સ્ત્રી અનામત હોઇ કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાયું
પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી, સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને ૭ની પેટા ચૂંટણી તેમજ હારીજ તાલુકા પંચાયતની ૧૨ – સાંકરા મતદાર મંડળ, સમી તાલુકા પંચાયતની ૭ – કનીજ મતદાર મંડળ અને સિધ્ધપુર તાલુકા પંચાયતની ૧૯ – સમોડા મતદાર મંડળની પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ થનાર છે.
ત્યારે જીલ્લા ચૂંટણીતંત્ર અને વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાય તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત અમલીકરણ થાય એ માટે તંત્ર સજજ બન્યું છે. આ ચૂંટણીઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો ભરાશે અને લોકશાહી પ્રક્રિયા મજબૂત બનશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી યોજવા માટે આયોજન કર્યું છે.
જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર જોઈએ તો સમી તાલુકા પંચાયતની ૭- કનીજ બેઠક પર ૨૪૪૨ પુરુષ, ૨૩૦૭ સ્ત્રી મતદારો મળી કુલ ૪૭૪૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. કુલ ૫ મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં માટે ૭ ઇ.વી.એમ મશીન ફાળવવામાં આવ્યાં છે. ૩૨ પોલિંગ સ્ટાફ સાથે ૧૦ પોલીસ જવાનો આ બેઠક પર ફરજ બજાવશે.
વાત કરીએ સિદ્ધપુર ૧૯- સમોડા મતદાર બેઠકની તો પુરુષ ૩૪૪૮, સ્ત્રી ૩૧૮૩ મળી કુલ ૬૬૩૧ મતદારો મતદાન કરશે. આ બેઠક પર બે ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. કુલ ૬ મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ ૬ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકની યાદીમાં સમાવિષ્ટ છે. આ બેઠક માટે ૮ ઇ.વી.એમ મશીન ફાળવવામાં આવ્યાં છે. ૩૦ પોલિંગ સ્ટાફ અને ૬ પોલીસ સ્ટાફ આ બેઠક પર ફરજ બજાવશે.
જિલ્લાની ત્રણ નગરપાલિકા પૈકી હારીજ નગરપાલિકા ના વોર્ડ નં. ૧ થી ૬ ની કુલ ૨૪ બેઠક માટે ૮૭૩૫ પુરુષ, ૮૩૬૮ સ્ત્રી મળી કુલ ૧૭,૧૦૩ મતદારો મતદાનમાં ભાગ લેશે. આ બેઠક માટે કુલ ૧૯ મતદાન મથકો પર ૧૦૦ પોલિંગ સ્ટાફ, ૩૨ પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ બેઠકો માટે ૬૭ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. કુલ ૫૭ ઉમેદવારો મેદાનમાં છે.
ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ નં.૧ થી ૬ ની કુલ ૨૪ બેઠક માટે ચૂંટણી થવાની છે. જેમાં પુરુષ ૬૪૧૯, સ્ત્રી ૬૨૬૫ મળી કુલ ૧૨,૬૮૪ મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ ૧૮ મતદાન મથકો પર ૮૬ પોલિંગ સ્ટાફ, ૩૭ પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ બેઠકો માટે ૮૧ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. કુલ ૪૭ ઉમેદવારો હરીફાઈમાં છે.
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૭ ની કુલ ૨૮ બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં પુરુષ ૧૮૮૯૧, સ્ત્રી ૧૮૫૫૬ મળી કુલ ૩૭૪૫૩ મતદારો મતદાન પ્રક્રિયામાં સહભાગી બનશે. કુલ ૪૧ મતદાન મથકો પર ૨૩૦ પોલીંગ સ્ટાફ અને ૬૯ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. આ બેઠકો માટે કુલ ૧૧૩ ઉમેદવારી ફોર્મ ભરાયેલ છે અને કુલ ૬૦ ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે. સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧ માટે ત્રણ અને વોર્ડ નં. ૭ માટે ૪ મળી કુલ ૭ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ૪ ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ થવાનો છે.
જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયતની સામાન્ય/ પેટા ચૂંટણી અંતર્ગત કુલ ૩૭ મતદાન સ્થળો અને ૭૭ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે હારીજ તાલુકા પંચાયતની ૧૨ – સાંકરા મતદાર મંડળ ની બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક માટે અનામત હોઇ આ બેઠક પર કોઈ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી.