રૂપિયા 2.15 લાખ ફરિયાદીને એક માસમાં ચૂકવવાનો પણ આદેશ; ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં દિયોદર તાલુકાના વડિયા ગામના શકસને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ફરિયાદીને 30 દિવસમાં રૂપિયા 2.15 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ એક મહિનાની સાદી કેદ ભોગવવી પડશે.
કેસની વિગત અનુસાર ડીસાની ધરતી રેસીડેન્સી ખાતે રહેતા કાંતિભાઈ ભુદરાજી સોલંકીએ તેઓના ગામ દિયોદર તાલુકાના વડિયા ગામના સુરેશભાઈ પાંચાજી મળીને પૈસાની જરૂર હોય હ રૂપિયા બે લાખ હાથઉછીના આપ્યા હતા. આરોપીએ આ રકમ પાંચ મહિનામાં પરત કરવાનું વચન આપ્યું હતું.
સમય મર્યાદા વીતી ગયા બાદ ફરિયાદીએ આરોપી પાસે નાણાંની ઉઘરાણી કરી હતી, જેના બદલામાં આરોપીએ રૂપિયા બે લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં ભંડોળ ન હોવાના કારણે તે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપીને લેખિત નોટિસ મોકલવા છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી.આથી ફરિયાદી કાંતિભાઈ સોલંકીએ આરોપી સુરેશ માળી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષદભાઈ શનાભાઇ ચાવડાની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદીના વકીલ એસ.આઈ. સાંખલાએ કરેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી રબારી સુરેશ પાંચાજી માળીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર તરીકે રૂપિયા 2.15 લાખ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.