1 હજાર કરોડના ખર્ચે થરાદ – ધાનેરા નર્મદા પાઈપલાઈનનું ટેન્ડર બહાર પડાયું
સિંચાઇની સમસ્યાથી પરેશાન થરાદ – ધાનેરાના 115 ગામનાં 126 તળાવો સુધી માઁ નર્મદાના નીર પહોંચશે
તાજેતરમાં જ શંકરભાઈ ચૌધરીએ સિંચાઇની સમસ્યા દૂર થશે તેવા સંકેત આપ્યા હતા
સરહદી પંથકમાં શંકરભાઈ ચૌધરીનાં પ્રયાસોથી થરાદ – ધાનેરા નર્મદા પાઇપલાઇન મળતાં જગતનો તાત ખુશખુશાલ
બનાસ નદીના નામ પરથી વિકસેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જ સૌથી વિકટ સમસ્યા રહી છે. ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લાઓ પૈકીના એક બનાસકાંઠા જિલ્લાને પહેલી જાન્યુઆરીએ જ વિભાજીત કરી બે જિલ્લાઓ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. પરંતુ હજુ સુધી તેનું વિધિવત જાહેરનામું પડાયું નથી. પરિણામે આજની તારીખે પણ સંપૂર્ણ બનાસકાંઠા તરીકે અસ્તિત્વ ધરાવતા આ જિલ્લામાં સિંચાઇ માટે પાણીની એટલી હદે સમસ્યા છે કે ધરતીપુત્રો પાણીના અભાવે ખેતી કરી શકતા નથી. પશુપાલન અહી વિકસ્યું હોવાથી બનાસ ડેરી અને પશુધનના સથવારે જિલ્લામાં હજુ પણ ખેડૂતો ટકી રહ્યા છે. પરંતુ ભૂગર્ભમાં 1200 ફૂટે પણ પાણી નહિ હોવાથી આ જિલ્લામાં ખેડૂતોને ખેતી પાયમાલીમાં ધકેલી રહી છે. જો કે, વર્ષો પહેલા 2008 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેનાલો બનાવી નર્મદાનું પાણી થરાદ- વાવમાં પહોંચાડતા સિંચાઇની સમસ્યા આંશિક ધોરણે હલ થઈ છે. તેમ છતાં હજુપણ અનેક ગામોના હજારો ખેતરો અને લાખ્ખો ખેડૂતોના કૂવા અને તળાવો ખાલી હોવાથી સિંચાઇ કરવી મુશ્કેલ બની છે. તેવામાં રાજ્ય સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ રૂપિયા એક હજાર કરોડનાં ખર્ચે થરાદનાં 60 અને ધાનેરાના 55 એમ કુલ 115 ગામોમાં પાઇપલાઇન નાખી નર્મદાનું પાણી પહોંચાડવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરતાં સરહદી પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, તાજેતરમાં સંપન્ન થયેલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને રોમાંચક જીત મળતાં સરહદી વાવ -થરાદને રાજ્ય સરકાર તરફથી અનેક ભેટ સોગાદો મળવા લાગી છે. પહેલા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરાઈ તો આજે થરાદ -ધાનેરામાં નર્મદા પાઇપલાઇન નાખવાનું ટેન્ડર મંજૂર કરાયું. આમ,અનેકવિધ વિકાસ કાર્યો થરાદ વાવની જનતાને બુલેટ ગતિએ મળવા લાગ્યા છે. વિશ્વસનીય રાજકીય સૂત્રોનું માનીએ તો, થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસની સરહદી પ્રજાની સિંચાઇ અને ખેતીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે રાજ્ય સરકારમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. જેથી સરકારે અગાઉ કરેલ જાહેરાત મુજબ આજે સરહદી થરાદના 60 ગામો તેમજ ધાનેરાના 55 ગામો મળી કુલ 115 ગામોમાં રૂપિયા 1048 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે પાઇપલાઇન નાખી નર્મદાનું પાણી 126 તળાવોમાં ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવતાં સરહદી પંથકની પ્રજામાં અનેરો આનંદ છવાયો છે. નર્મદાની થરાદ – ધાનેરા પાઈપલાઈનથી કુલ 13,784 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ પાઈપલાઈનનું નેટવર્ક 63. 863 કિમી લાંબુ હશે,તેમજ ફીડર પાઇપલાઇનની લંબાઈ 300.785 કિ.મી. રહેશે. છેવાડાના ગામ સુધી પાઇપલાઇન દ્વારા પાણી મળી રહે તે માટે મુખ્ય કેનાલમાં વાપી ગામ પાસે નવો એચ.આર.(ગેટ) બનાવવામાં આવ્યો છે. થરાદ – ધાનેરા પાઇપલાઇન તૈયાર થતાં 400 ક્યુસેક પાણી તળાવોમાં અપાશે. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારની આ પ્રજાને આટલી મોટી ભેટ આપવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયાનો આભાર વ્યક્ત કરું છું.
વર્ષોથી દુષ્કાળ અને પાણીની અછત વેઠતાં થરાદ – ધાનેરાના ખેડૂતો માટે ખુશીના સમાચાર વર્ષોથી દુષ્કાળ ,પાણીની અછત,અનિયમિત વરસાદ આ બધી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સરહદી થરાદ- ધાનેરાના ખેડૂતો માટે એક એક પાણીના ટિમ્પાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તેવામાં આજે થરાદ -ધાનેરાના નર્મદાની પાઇપલાઇન નાખવાનું ટેન્ડર બહાર પડતાં ધરતીપુત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પાઈપલાઈનથી અનેક તળાવો ભરાશે,જેનાથી જગતનાં તાતનો સિંચાઈનો પ્રશ્ન મહદઅંશે હલ થઇ જશે.
વર્ષો પહેલાં તત્કાલીન સીએમ મોદી થરાદમાં માઁ નર્મદાનું પાણી લાવ્યા હતા : સ્થાનિક રહેવાસી,થરાદ
આજે થરાદ -ધાનેરા માટે નર્મદાની પાઇપલાઇન નાખવા ટેન્ડર બહાર પડતાં સરહદી થરાદના અનેક વડીલ ખેડૂતોની આંખોમાં હર્ષના આસું જોવા મળ્યા હતા. જે અંગે એક વડીલ દાદાએ જણાવ્યું હતું કે, આ સૂકી ભઠ્ઠ થરાદ અને વાવની ધરતી પર 2008 માં નરેન્દ્રભાઈ મોદી પહેલી વહેલી વખત માઁ નર્મદાનું પાણી અમારા સુધી લાવ્યા હતા. અને આજે આ થરાદ ધાનેરા પાઇપલાઇન મંજૂર કરાવી શંકરભાઈ ચૌધરીએ ફરી એકવાર માઁ નર્મદાનું પાણી અમારા દ્વારે લાવવાનું કાર્ય કર્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.